________________
૧૧૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ (* આ કથા આગમમાં સ્થૂલભદ્ર કથા અંતર્ગત્ નોંધાયેલી છે) (૬) અર્ણિકાપુત્ર આચાર્ય :
દેવદત્ત નામના વણિકુ અને અર્ણિકાના પુત્ર હતા. તેમનું નામ “સંધીરણ” પાડેલ, પણ લોકોમાં તે અર્ણિકાપુત્ર નામથી પ્રસિદ્ધ થયેલા. આ અર્ણિકાપુત્રે જયસિંહ આચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરેલી. કાળક્રમે તેઓ આચાર્યપદને પામ્યા. રાણી પુષ્પચૂલાએ તેમની પાસે દીક્ષા અંગીકાર કરેલી. કોઈ વખતે દુષ્કાળ પડવાથી આચાર્ય ભગવંતે મુનિઓને અન્યત્ર વિહાર કરવા આજ્ઞા કરી. પોતે જંઘાબળથી ક્ષીણ થયા હોવાથી ત્યાંજ સ્થિરવાસ રહ્યા. રાણી પુષ્પચૂલાને પણ દીક્ષા વખતે રાજા પુષ્પચૂલે શરત કરેલી કે તેણીએ આ રાજ્ય છોડી અન્યત્ર વિહાર ન કરવો. તેથી આર્યા પુષ્પચૂલા પણ તે જ સ્થાને રહ્યા.
અર્ણિકાપુત્ર આચાર્યની નિર્દોષ ગૌચરી-પાણીથી પુષ્પચૂલા આર્યા વૈયાવચ્ચ કરતા હતા. અપ્રતિપાતિ એવા વૈયાવચ્ચના પ્રભાવે આ પુષ્પચૂલા કેવળજ્ઞાન પામ્યા. જ્યારે અર્ણિકાપુત્ર આચાર્યને ખ્યાલ આવ્યો ત્યારે તેઓએ પુષ્પચૂલા સાધ્વીની ક્ષમાયાચના કરી પૂછ્યું કે, મારો મોક્ષ કયારે થશે ? ત્યારે કેવલી સાધ્વીએ જણાવ્યું કે, ગંગા નદી પાર ઉતરતાં તમારો મોક્ષ થશે. કેટલાક કાળ બાદ જ્યારે તેઓ અન્ય લોકોની સાથે હોડીમાં બેસીને ગંગાનદી પાર કરતા હતા, ત્યારે ઉપદ્રવ થતાં લોકોએ તેમને નદીમાં ફેંકી દીધા. તે વખતે પૂર્વભવની સ્ત્રી જે મૃત્યુ પામીને વ્યંતરી થઈ હતી. તેણીએ તેમને પાણીમાં જ શૂળીએ ચડાવી દીધા. તે વખતે શૂળીની વેદના સમભાવે સહન કરી, પોતાના રૂધિર પડવાથી અપકાયના જીવોની વિરાધના થશે તેવા કારુણ્યભાવ સાથે શુભધ્યાનમાં લીન બનેલા તેઓ કેવલ જ્ઞાન પામ્યા. અંતકૃત્ કેવલી થઈને મોક્ષે ગયા.
( આગમમાં આ કથા આવશ્યક નિર્યુક્તિ-૯૪૯, ૧૧૮૨, ૧૧૮૩ની ચૂર્ણિ તથા વૃત્તિમાં અને નિશીથ ભાષ્ય-૧૫૫૭ની ચૂર્ણિમાં છે.)
(૭) અતિમુક્ત મુનિ –
(અતિમુક્ત નામે બે શ્રમણ થયા છે. તેમાં અહીં ભગવંત મહાવીરના શાસનમાં થયેલા અતિમુક્ત મુનિની કથા લીધી છે.)
પેઢાલપુર નગરના રાજા વિજય અને રાણી શ્રીમતીના પુત્ર તે અતિમુક્ત કુમાર. તેમણે બાલ્યાવયમાં જ ગૌતમસ્વામીથી પ્રભાવિત થઈને, માતા-પિતા સાથે અતિ માર્મિક સંવાદ કરીને, તેમની અનુમતિ પ્રાપ્ત કરી દીક્ષા લીધી હતી. કોઈ વખતે સ્થવિરમુનિ સાથે થંડીલભૂમિ ગયેલા. પૂર્વે વરસાદ થયો હોવાથી કોઈ સ્થાને ખાબોચીયું પાણીથી ભરાયેલું હતું. ત્યાં અન્ય બાળકોને પાણીમાં થોડી તરાવતા જોઈને અતિમુક્તમુનિ પણ પાતરાને હોડીરૂપે પાણીમાં તરાવવા લાગ્યા. સ્થવિરોએ આ વાત ભગવંત મહાવીરને જણાવીભગવંતે સ્વભાવથી ભદ્ર અને વિનિત એવો મારો આ શિષ્ય આ જ ભવે મોક્ષે જનાર છે. તેથી કહેલું કે તમે તેની આશાતનાઅવહેલના ન કરશો.