________________
ભરફેસર-સજ્ઝાય-વિવેચન
૧૧૧
૫૦૦ મંત્રીઓના મુખ્યમંત્રી બનાવેલા. તેઓ ઔત્પાતિકી આદિ બુદ્ધિના ધણી હતા. કુવામાંથી વીંટી કાઢવાનો પ્રસંગ હોય, લઘુમાતા ધારિણી દેવીના અકાલે મેઘનો દોહદ પૂર્ણ કરવાનો હોય, રોહિણેય ચોરને પકડવાનો હોય, ચલ્લણા માતાની માંસ ભક્ષણ ઇચ્છા હોય, ચંડપ્રદ્યોતને પકડવાનો હોય કે કઠિયારા મુનિની પ્રતિષ્ઠા
સ્થાપિત કરવાની હોય, આવા અનેક પ્રસંગોમાં તેમના મેધાવીપણાની પ્રચંડ શક્તિનું દર્શન થયેલું. પણ તેણે પોતાની બુદ્ધિને સમ્યક્ શ્રદ્ધા સાથે જોડીને જ્યારે ભગવંત મહાવીરને પ્રશ્ન કર્યો કે, “અંતિમ રાજર્ષિ કોણ". ભગવંતે કહ્યું કે, ઉદાયન અંતિમ રાજર્ષિ થઈ ગયા, હવે કોઈ રાજા પ્રવ્રજિત થશે નહીં. તે વખતે જ અભયકુમારે ચારિત્ર ગ્રહણનો નિર્ણય કર્યો. આખરે ભગવંત મહાવીર પાસે દીક્ષા લઈ, ઉત્કૃષ્ટ તપ કરી સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થયા. ત્યાંથી બીજે જ ભવે મોક્ષે જશે.
(* અભયકુમાર વિશે આગમોમાં મુખ્યતાએ સૂયગડાંગ નિર્યુક્તિ અને તેની ચૂર્ણિ અને વૃત્તિમાં, આવશ્યક નિર્યુક્તિ અને તેની ચૂર્ણિ તથા વૃત્તિમાં, નાયાધમ્મકહા આદિ આગમોમાં કથાનક મળે છે.)
(૪) ઢંઢણકુમાર :
શ્રીકૃષ્ણ વાસુદેવની એક રાણી ઢંઢણા હતી. તેનો પુત્ર તે ઢંઢણકુમાર, તેમણે ભગવંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી હતી. પૂર્વભવે જ્યારે તે કૃષ્ણપારાશર' નામે ખેડુત હતો ત્યારે સુધાતુર ખેડૂતો તથા ૫૦૦ બળદોને ભોજનમાં અંતરાય કરતો હતો. તે અંતરાયકર્મ ઢંઢણ મુનિને ઉદયમાં આવવાથી શુદ્ધ ભિક્ષા પ્રાપ્ત થતી ન હતી. તેથી તેમણે ભગવંત પાસે અભિગ્રહ ગ્રહણ કર્યો કે, “સ્વલબ્ધિથી ભિક્ષા મળે તો જ ગ્રહણ કરવી. કોઈ વખતે તેઓ ભિક્ષાર્થે દ્વારિકાનગરીમાં ફરતા હતા. તે વખતે શ્રીકૃષ્ણે રથમાંથી ઉતરી ભક્તિપૂર્વક તેમણે ઢંઢણમુનિને વંદન કર્યું. તે જોઈને કોઈ શ્રેષ્ઠીએ તેમને ઉત્તમ મુનિ માની સ્વાદિષ્ટ લાડવા વહોરાવ્યા. ભગવંત પાસે જઈને ગૌચરી બતાવી, ત્યારે ભગવંતના વચને તેમણે જાણ્યું કે, આ આહાર કૃષ્ણ વાસુદેવ નિમિત્તે મળેલ છે, પણ સ્વલબ્ધિથી મળેલ નથી. ત્યારે તે લાડવા કુંભારશાળામાં પરઠવવા ચાલ્યા. પરઠવતી વખતે ઉત્તમ ભાવના ભાવતા કેવળજ્ઞાન પામ્યા.
( આ કથા ઉત્તરાધ્યયન નિર્યુક્તિ-૧૧૪ અને તેની ચૂર્ણિ તથા વૃત્તિમાં વિસ્તારથી આપેલી છે.)
(૫) શ્રીયક :
શકટાલ નામે એક મંત્રીના પુત્ર અને સ્થૂલભદ્રના ભાઈ તે શ્રીયક. શકટાલ મંત્રીના અપમૃત્યુ બાદ સ્થૂલભદ્રએ દીક્ષા ગ્રહણ કરી લીધી, તેથી શ્રીયક રાજમંત્રી બન્યા. તેની યક્ષા, યક્ષદત્તા આદિ સાતે બહેનોએ પણ દીક્ષા લીધી હતી. શ્રીયકે પણ અંતે વૈરાગ્યવાસિત થઈને દીક્ષા લીધી હતી, પર્યુષણ પર્વદિનમાં યક્ષા આદિ સાધ્વીઓની પ્રેરણાથી પોરિસ આદિ પ્રત્યાખ્યાનમાં ક્રમશઃ આગળ વધતા ઉપવાસનું તપ કરતાં – તે જ દિને કાળધર્મ પામ્યા. દેવલોકે દેવ થયા.