________________
અશોક વૃક્ષ દેવોએ કરેલો હતો. ભગવાન મહાવીર રાજાના મસ્તક ઉપર બત્રીશ ધનુષ્ય ઊંચો અશોક વૃક્ષ દેવોએ કરેલો હતો. ભગવાનની સાત હાથની કાયા, તેને બાર ગુણવાથી એકવીશ ધનુષ્ય થયા, અને જે શાલ વૃક્ષના નીચે ભગવાનને કેવલજ્ઞાન થયું હતું તે અગ્યાર ધનુષ્યનું હોવાથી ઉપરના એકવીશ અને અગ્યાર મળવાથી બત્રીશ ધનુષ્ય થયા, તેથી મહાવીર મહારાજાના મસ્તકના ઉપર બારગણો બત્રીશ ધનુષ્યપ્રમાણ અશોક વૃક્ષ હતો.
(૨) સુરપુષ્પવૃષ્ટિ :- દેવતાઓ એક યોજન ભૂમિમાં, ચારે બાજુ, પંચવર્ણા સચિત્ત પુષ્પોની વૃષ્ટિ કરે
છે.
શંકા - સમવસરણમાં દેવોયે કરેલી પુષ્પની વૃષ્ટિ સચિત્ત છે. કે અચિત્ત ?
સમાધાન - પ્રાયઃ કરી જલસ્થલરૂપ સચિત્ત હોય છે. શ્રી સમવાયાંગ સૂત્રમાં ચોત્રીશ અતિશયના અધિકારમાં કહ્યું છે કે-જલ સ્થલ સંબંધી પાંચ પ્રકારના સચિત્ત પુષ્પોની વૃષ્ટિ ઢીંચણ પ્રમાણ, નીચે વિંટ રહેલાની, દેવતાઓ કરે છે.
પ્રવચનસારોદ્વારમાં ઓગણચાલીશમા દ્વારમાં પણ વિશેષે કરીને કહેલ છે કે-દેવતાઓ સમવસરણને વિષે એક યોજન પ્રમાણ ભૂમિમાં, નીચે બિંટવાળા, પાંચ પ્રકારના સચિત્ત પુષ્પોની ઢીંચણ પ્રમાણ વૃષ્ટિ કરે છે. આ ઉપરથી તે પુષ્પો સચિત્ત હોય છે તેવી સંભાવના થાય છે.
શંકા - જીવદયારસિક સાધુ, સાધ્વીઓ તે પુષ્પોના ઉપર કેવી રીતે ચાલી શકે ? કારણ કે, સચિત્તનું મર્દન જીવઘાતના હેતુભૂત છે.
સમાધાન - કોઇક કહે છે કે તે પુષ્પવૃષ્ટિ દેવતાએ કરેલી છે માટે સચિત નથી. કિંતુ અચિત્ત છે. બોજાઓ કહે છે કે - નહિ, તે વાત સત્ય નથી. દેવતાયે કરેલ છતાં પણ તે પુષ્પોની વૃષ્ટિ સચિત્ત જ
છે.
અન્ય કહે છે કે- જ્યાં જ્યાં પુષ્પો હોય છે ત્યાં ત્યાં સાધુ સાધ્વીયો ચાલતા નથી.
અપર કહે છે કે - નહિ, સર્વ જગ્યાએ પુષ્પો છે. પરંતુ કારણ વિના મુનિયો પોતાના સ્થાનથી ઊભા થતા જ નથી.
ગીતાર્થ મહારાજા સલો આપે છે કે-મંદર, મોગરો, માલતી, મચકુંદ, ગુલાબ વિગેરે પાંચ પ્રકારના સચિત્ત સુગંધી પુષ્પોની દેવતાઓ સમવસરણમાં જાનુપ્રમાણ વૃષ્ટિ કરે છે. તે સચિત્ત પુષ્પો જ છે, પરંતુ સમવસરણમાં વિધમાન જીવોથી, ગમનાગમનમાં ચંપાયા છતાં પણ તે જીવો મરતા નથી, કિલામણા પામતા નથી, પરંતુ તીર્થંકર મહારાજાના અતિશયથી ઊલટા વધારે પ્રફુલ્લિત થઇ, મહાઆનંદ પામે છે, માટે જલસ્થલ સંબંધી તે પુષ્પોની વૃષ્ટિ સચિત્ત જ છે.
(૩) દિવ્યધ્વનિ :- ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે ભગવાનની વાણીનો માલકોષ રાગ દેવતાઓ વીણાવડે પૂરે છે, તેથી ભગવાનની વાણીનો ધ્વનિ દિવ્ય શોભે છે.
શંકા - રાગો તો ઘણાં છે. છતાં દરેક ભગવાન માલકોષ રાગથી દેશના કેમ આપે છે ? બીજા રાગમાં દેશના કેમ આપતા નથી ?
સમાધાન - કેટલાયેક રાગોના ગુણો રાગ પ્રમાણે જ હોય છે, તેથી તે રાગો ગાવા બોલવા જ જોઇએ. જુઓ.
૧) ભૈરવરાગ. આ રાગનો ગુણ ભમાવવાનો છે. આ રાગ બરાબર કોઇને ગાતા આવડતો હોય અને ઘાણી ઉપર બેસી યથાર્થ ભૈરવીરાગ કોઇ ગાતો હોય તો, વિના બળદે ઘાણી તેની મેળે જ ફરવા માંડે છે, તે ભૈરવી રાગનો ગુણ છે.
૨) મલ્હારરાગ. આ રાગ જો બરાબર ગાનારો હોય તો ચોમાસાની ઋતુ વિના પણ મલ્હાર રાગના ગાવાથી તત્કાળ આકાશમાંથી જળની વૃષ્ટિ થાય છે.
Page 20 of 50