________________
ચંદરવો રત્નાકરપચ્ચીસીના કર્તા રત્નાકરસૂરિજી મહારાજ. ભારે વક્તા. જબ્બર તત્ત્વચિંતક. સૂરિજી એક વાર વ્યાખ્યાન આપે. નીચે સાગસીસમની પાટ. માથે સુંદર ચંદરવો. ચંદરવામાં આબદાર મોતી ટાંકેલાં.
સૂરિજી મહારાજ અપરિગ્રહનો મહિમા સમજાવે, પરિગ્રહના અનર્થ સમજાવે ને પછી સભાને પૂછે: “કેમ સમજ્યા ?'
ત્યાં રૂપ નામનો શ્રાવક. જરાક બટકબોલો. એ કહે: “સાહેબ, નથી સમજ્યા.'
સૂરિજીએ બીજે દિવસે અપૂર્વ રીતે અપરિગ્રહ ના વ્રત વિશે દૃષ્ટાંત અને દલીલો સાથે સમજાવ્યું; પછી પૂછ્યું: ‘કેમ, સમજ્યા '
પેલો શ્રાવક કહે: “સાહેબ, નથી સમજ્યા.” ત્રણ-ચાર દિવસ આવું બન્યું.
સૂરિજી મહારાજે એક દિવસ અંદર ઊંડા ઊતરી વિચાર કર્યો, તો તરત સમજાયું કે શ્રાવક એમ કહે છે કે આપને મોતીભરેલા ચંદરવાનો મોહ છે, ને આપ બીજાને મોહ છોડવા કેમ સમજાવી શકો? માટે જ હું કહું છું કે સાહેબ નથી સમજ્યા. સાહેબ ન સમજ્યા તે શ્રોતા કેમ સમજે ?
. બીજા દિવસે મોતીને વાટીને ફેંકી દીધાં ને ઉપદેશ આપ્યો; પછી પૂછ્યું: “સમજ્યા?”
રૂ૫ શ્રાવક કહે, “સાહેબ, હવે સમજ્યા.'