________________
રાજા શ્રેણિકે પેલા માણસને બોલાવવા માટે રાજસેવકને મોકલ્યો. રાજાએ તેને પૂછ્યું,
તને એવું તે શું દુ:ખ છે કે આવી કાળી અને ભયાનક રાતે જાનનું જોખમ ખેડે છે ?'
પેલા માણસે કહ્યું, “મહારાજ ! મારે બળદની જોડી જોઈએ છે. મારી પાસે એક બળદ છે. બીજો મળે એ માટે આ મહેનત કરું છું.”
રાજા શ્રેણિકે એને સવારે પોતાની રથશાળામાંથી બળદ પસંદ કરવા કહ્યું. પરંતુ સવારે એ માણસને એકે બળદ પસંદ પડ્યો નહીં.
રાજાએ પૂછ્યું, “કેમ ભાઈ, બળદ લીધા વિના શા માટે પાછો ફરે છે ? રથ શાળાનો એકેય બળદ પસંદ ન પડ્યો ?”
પેલા માણસે જવાબ આપ્યો, “મહારાજ, એકેય બળદ પસંદ પડે તેવો નથી. આપ મારે ઘેર પધારો અને મારા બળદને જુઓ. તેવો બળદ મારે જોઈએ છે'.
રાજા શ્રેણિક એના ઘેર ગયા. તદ્દન સાદું ઘર. આ માણસ લંગોટી સિવાય કશું પહેરતો ન હતો. બાફેલા ચોખા સિવાય કશું ખાતો ન હતો.
પેલા માણસે બળદ પર ઓઢાડેલું કપડું લઈ લીધું. “મારે તો આવો બળદ જોઈએ.”
રાજા તો બળદ જોઈને સ્તબ્ધ બની ગયો. એ તો સોનાનો રત્નજડિત બળદ હતો. રાજા શ્રેણિકે કહ્યું,
ભાઈ, આવો બળદ તો મારું આખું રાજ્ય વેચી નાખું તોપણ બની શકે નહીં. આવો સોનાનો રત્નજડિત બળદ તમારી પાસે છે, છતાં વધુ સોનાની આશાએ તમે અંધારી રાતે પ્રાણની પરવા કર્યા વિના કંઈ મળે એની શોધ કરતા હતા. તમારા જેવી સંગ્રહવૃત્તિ મેં ક્યાંય જોઈ નથી.”