________________
વેપારી વચ્ચે બોલ્યો, “ના, તમે ફિકર ન કરશો. હું બધું વેચીનેય કરારનું પાલન કરીશ.”
રાયચંદભાઈ એ કહ્યું: “ભલા માણસ, મારી અને તારી ચિંતાનું કારણ આ લખાણ જ છે ને ? આ લખાણને લીધે જ તારી અવદશા થાય તેમ છે. તો લાવને, તારી અને મારી ચિંતાનો નાશ કરવા આ લખાણનો જ નાશ કરી નાખીએ. આપણે બંને નકામી ચિંતાઓથી ઊગરી જઈશું.”
વેપારીએ દયામણા મોંએ વિનંતી કરતાં કહ્યું, “પણ આપ એવું શા માટે કરો છો ? હું બે-ત્રણ દિવસમાં મારી જવાબદારી અદા કરી દઈશ.”
હજી વેપારી વધુ કંઈ બોલે તે પહેલાં તો રાયચંદભાઈએ એ કરારના કાગળના ટુકડેટુકડા કરી નાખ્યા. તેઓ બોલ્યા, “ભાઈ ! હું જાણું છું કે તમે વાયદાથી બંધાઈ ગયા છો, પણ અત્યારે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. તમે કરાર પ્રમાણે ઝવેરાત આપો, તો ભવિષ્યમાં તમારી શી સ્થિતિ થાય, તે હું કલ્પી શકું છું. રાયચંદ દૂધ પી શકે છે, લોહી નહીં.”
વેપારી એમનાં ચરણમાં ઝૂકી પડ્યો. એ બોલ્યો : “તમે માનવ નહિ, પણ માનવતાની સાક્ષાત્ મૂર્તિ છો !”
આ રાયચંદભાઈ તે મહાન આધ્યાત્મિક પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર બન્યા.