________________
એક સમાધાનાત્મક અવસ્થામાં રહી શકે એનું નામ મુનિ. અંદર જે ઝીણું ઝીણું ગુંજન ચાલે છે. એ ગુંજનનો અનુભવ મૌન પાળ્યા વિના, ઊંડા ઊતર્યા વિના થતો નથી.
એક અનુભવી બાપે પોતાના આળસુ દીકરાઓને કહેલું કે હું જાઉં છું પણ મેં ખેતરના ઊંડા ભાગમાં એક ચરુ દાટેલો છે એ કાઢી લેજો. અને બાપ મરી ગયો. પેલા દીકરાઓ તો મંડી પડ્યા ખોદવા. આળસુ હતા પણ ચરુ જોઈતા હતા એટલે ખોદી ખોદીને આખું ખેતર ઉથલાવી નાખ્યું. ક્યાંયે ચરુ ન મળ્યો. એટલામાં વર્ષા થઈ, ખેતરમાં ઘાસ સાથે બીજી વસ્તુઓ ઊગી અને ખેતર મોલથી લચી ગયું.
ત્યારે પેલા વૃદ્ધના મિત્રે આવીને કહ્યું : “તમારા બાપે કહ્યું હતું કે ખેતરનાં ઊંડા ભાગમાં દાટેલું છે એટલે જેમ જેમ ખોદો તેમ ખેતર પોચું થાય. એમાં જે ઊગે એ જ તમારો ચરુ અને એ જ તમારી સમૃદ્ધિ છે.”
વૃદ્ધ પિતાએ દીકરાને જે કહ્યું હતું એ જ વાત હું તમને કહું છું. તમે અંદર જાઓ, ઊંડા ઊતરો. જેમ જેમ તમે તમારામાં ઊંડા ઊતરતા જશો તેમ તેમ તમને નવી જ અનુભૂતિ થશે. આગળ વધતાં એક એવી અનુભૂતિની અવસ્થા આવે છે, જે ભૂમિકામાં અનુભવાય કે જે તત્ત્વ મહાવીરમાં હતું, બુદ્ધમાં હતું, શ્રીરામમાં હતું અને આદિનાથમાં હતું એ જ પરમતત્ત્વ મારામાં છે. આ પરમ તત્ત્વની સમૃદ્ધિનો અનુભવ થયા પછી હું કંગાલ છું એમ લાગે જ નહિ. એમ લાગે કે હું મહાવીર છું, હું બુદ્ધ છું, હું રામ છું, હું આદિનાથ છું.
પણ એમ કહેવા પહેલાં અને એમ કરતાં પહેલાં અનુભવ થવો જોઈએ. અને અનુભવ થાય પછી કહેવાનું રહેતું નથી, અનુભવવાનું જ રહે છે.
ઘણા લોકો કહેતા ફરતા હોય છે “હું આ છું.” જ્યાં આમ કહીએ ત્યાં અનુભવવાની વાત ચાલી જાય છે. અનુભવ મૌન છે. ત્યાં બોલવાનું બંધ થઈ જાય છે.
ભ્રમર મધુરસનું પાન કરે છે ત્યારે ગુંજન બંધ જ હોય છે; ગુંજન ચાલતું હોય છે ત્યારે મધુપાન બંધ હોય છે.
એવી જ રીતે અનુભવ થાય છે ત્યારે બીજી બધી વાતો બંધ થઈ જાય છે. ત્યાં માત્ર અનુભૂતિ જ હોય છે.
આ અનુભવરસનું જેણે પાન કર્યું તેની ખુમારી કદી ઊતરતી નથી, એને સંસારની માનસિક બીમારી સ્પર્શતી નથી; એ સદા અનુભવમાં મસ્ત અને મગ્ન રહે છે,
પૂર્ણના પગથારે * ૨૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org