________________
જ્ઞાનના સારને મેળવીએ
આ. વિજય મુનિચન્દ્રસૂરિ
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.ની અનૂઠી કૃતિ જ્ઞાનસાર, વિ.સં. ૧૭૧૧ ના દીપાવલી પર્વે સિદ્ધપુરમાં રચાયેલી આ કૃતિ શ્રી સંઘમાં ઘણી જાણીતી છે. એના અનુવાદો, પદ્યાનુવાદો, વિવેચનો પણ ઘણાં થયાં છે.
જ્ઞાનસાર ઉપર સ્વોપક્ષ ટબ્બો પણ રચાયો છે. જ્ઞાનસાર ઉપર ટીકા રચનારા શ્રીમદ્ દેવચન્દ્રજી પહેલા છે. વિ.સં. ૧૭૯૫ ના જ્ઞાનપાંચમના દિવસે નવાનગર (જામનગર)માં રચાયેલી આ ટીકા ખજાના જેવી છે. એક તો ગ્રંથકાર અધ્યાત્મ યોગી અને એના ઉપર ટીકા રચનાર એવા જ સમર્થ અધ્યાત્મયોગી.
ગ્રંથકારશ્રીએ ગ્રંથમાં જ્ઞાનનો સાર તથા અનુભવનો નિચોડ ઠાલવી દીધો છે. તો ટીકાકારશ્રીએ ખજાનાના રત્નોની પરખ કરી છે.
શ્રીમદ્ દેવચન્દ્રજી અત્યારે મહાવિદેહમાં કેવલી થઈ વિચરી રહ્યા હોવાનું મનાય છે. એટલે એમની આ રચના કેવલજ્ઞાનના કિનારે બેઠેલા એક વિશિષ્ટ મહાપુરુષની દેણ કહેવાય.
જ્ઞાનમંજરીનું પ્રથમ પ્રકાશન આ. બુદ્ધિસાગરસૂરિજી મ.શ્રીએ ‘શ્રીમદ્ દેવચન્દ્ર' માં કરાવેલું. એ પછી અનેક હસ્તપ્રતોનો ઉપયોગ કરી શુદ્ધીકરણનો પુરુષાર્થ સા. દિવ્યગુણાશ્રીએ કર્યો છે. સૂરત કૈલાસનગર જૈન સંઘ દ્વારા એનું પ્રકાશન વિ.સં. ૨૦૬૪ માં થયું છે.
આમ છતાં આ જ્ઞાનમંજરી ઉપર ગુજરાતી વિવેચનની આવશ્યકતા હતી જ. પં. ધીરુભાઈના પ્રસ્તુત વિવેચનથી આ આવશ્યકતા પૂર્ણ બને છે.
પં. ધીરૂભાઈ અડધી સદીથી અધ્યાપન કાર્ય કરી રહ્યા છે. એમની અધ્યાપન કુશળતા જાણીતી છે. વિદેશના તત્ત્વપ્રેમીઓને પણ તેઓ સુંદ૨ અભ્યાસ કરાવે છે. વિદ્યાર્થીની અપેક્ષાઓ, આવશ્યકતાઓને તેઓ બરોબર સમજી શકે છે. એટલે તેઓનાં ઘણાં વિવેચનો લોકાદર પામ્યાં છે. આ વિવેચન પણ જ્ઞાનમંજરીમાં દર્શાવેલા ભાવોને સમજવામાં અતિશય ઉપયોગી બનશે.
રત્નાકર જેવા આ ગ્રંથમાંથી સહુ પોતપોતાની કક્ષા મુજબ ગાગરને ભરી આત્મકલ્યાણને વરે એ જ મંગળ કામના...
લિ. આ. વિજય મુનિચન્દ્રસૂરિજી