Book Title: Amrut Samipe Author(s): Ratilal D Desai, Nitin R Desai Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 7
________________ IV ઉપાય છે નિષ્ઠાભરી, નિઃસ્વાર્થ, નિર્દભ અને નિર્મળ જ્ઞાનસાધના.” સત્યસાધના અને જ્ઞાનસાધનાનો સમન્વય તેમની જીવનસાધનામાં પ્રતીત થાય છે. આ મનોભૂમિકા ઉપર રતિભાઈએ વાર્તાઓ અને ચરિત્રો રચેલાં તે પુસ્તકાકારે પ્રગટ થયેલાં છે. તે ઉપરાંત તેમણે જૈનધર્મને અનુલક્ષીને તત્ત્વચર્ચા કરેલી છે. તેનો વિપુલ લેખજથ્થો અસંગૃહીત હતો તે પ્રગટ થાય છે. તેની સાથે તેમણે જૈન' પત્રમાં વિદ્યા અને સમાજના ક્ષેત્રના મહાનુભાવોને લગતી અવસાનનોંધો લખેલી તે અહીં પ્રગટ થાય છે; તેનો જથ્થો પણ મોટો છે. તેમાં જૈન વિદ્યાના તેમ જ ઇતર વિદ્યાના વિદ્વાનો, જૈન આચાર્યો, મુનિવરો અને સાધ્વીજીઓ, સંતો અને શિક્ષણકારો, પત્રકારો, સાહિત્યકારો અને કળાકારો, શ્રેષ્ઠીઓ અને રાજપુરુષો, ધર્મક્રિયાપ્રેમીઓ, સમાજસેવકો તથા સ્ત્રીરત્નોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે વિવિધ સમયે લીધેલી મૃત્યુનોંધોનું પ્રાસંગિક મહત્ત્વ ગણાય. તેમાં અવસાન પામેલ મહાનુભાવના વ્યક્તિત્વની એકાદ આછીપાતળી રેખા દોરાય અને તેમના પ્રદાનનો ઉલ્લેખ થાય. અહીં મૂકેલી નોંધોમાં કેટલીકનું કેવળ પ્રાસંગિક મહત્ત્વ ગણાય તેમ છે. પરંતુ બીજી મોટા ભાગની નોંધોમાં ૨જૂ થયેલી હકીકત અને તેનું લેખકે કરેલું મૂલ્યાંકન ચિરકાલીન મહત્ત્વનું છે. તેના પાનેપાને શ્રી રતિભાઈની આશ્ચર્યજનક બહુશ્રુતતા ઉપરાંત ઉદાર ગુણદર્શિતા અને સંસ્કારપ્રિયતા જોવા મળે છે. જૈન આગમો અને શ્રુતિપરંપરા ઉપરાંત સમગ્ર ભારતીય વિદ્યાની અધ્યયનસંશોધન-પ્રવૃત્તિની તેમની જાણકારી ધ્યાન ખેંચે છે. આ નિમિત્તે તેમની દૃષ્ટિ ગુજરાતમાં સીમિત રહેવાને બદલે ભારત અને ભારતની બહાર ફરી વળે છે અને વિદ્યાકીય કે સાંસ્કૃતિક મહત્ત્વની નાની-મોટી ઘટનાથી વાચકને વાકેફ કરે છે. શ્રી રતિભાઈની કલમમાં જોસ છે. સંશોધકની ઝીણવટ અને ચોકસાઈ તેમનાં લખાણોમાં ધ્યાન ખેંચે છે. તેમની શૈલી ચિત્રાત્મક, પ્રવાહી અને પારદર્શક હોઈ વાચનરસ ટકાવી રાખે તેવી છે. ચિત્રકૂટના ઘાટ ૫૨ સંતોની ભીડ જામે, તુલસીદાસ ચંદન ઘસે અને રઘુવીર તિલક કરે તેમ આ અક્ષરભૂમિ પર બસોથી અધિક મહાનુભાવોનો જમેલો એકત્ર થયો છે. તે દરેકને આ લેખકે ગુણસંકીર્તન દ્વારા હૃદયનો અર્ધ્ય આપીને તિલક કર્યું છે. અગાઉ આનંદશંકર ધ્રુવે ‘વસંત’માં ‘હૃદયનો હક’ લખીને અને ઉમાશંકર જોશીએ ‘સંસ્કૃતિ’માં ‘હૃદયમાં પડેલી છબીઓ’ મૂકીને તુલસીકર્મ કર્યું હતું. તેનું સ્મરણ કરાવે એવું શ્રી રતિભાઈનું આ સ્તુત્ય તુલસીકર્મ છે. તેમના સુપુત્રે તેમનાં લખાણો એકત્ર કરીને તેનું સુઘડ સંપાદન કરીને પિતૃઋણ અદા કર્યું છે તે અભિનંદનીય છે. ૧૨-૧૨-૨૦૦૩ – ધીરુભાઈ ઠાકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 649