________________
પ્રશ્નકર્તા : ડાઉન થઈ જાય.
દાદાશ્રી : હા, એવું આ પણ છે. જ્ઞાન લઈ આવ્યા, એટલે આને પાણી છાંટવું પડે, તો છોડવો ઊંચો થાય. છોડવો હોયને નાનો, તેનેય પાણી છાંટવું પડે. તે કોઈ દહાડો મહિને-બે મહિને જરા પાણી છાંટીએ આપણે.
પ્રશ્નકર્તા : ઘેર છાંટીએ છીએ.
દાદાશ્રી : ના, પણ એ ઘેર છે તે એવું ના ચાલે. એ ચાલતું હશે ? રૂબરૂ જ્ઞાની અહીં આવ્યા હોય ને આપણે એની કિંમત જ ના હોય ! સ્કૂલમાં ગયેલા કે નહીં ગયેલા ? કેટલાં વર્ષ ગયેલા ?
પ્રશ્નકર્તા : દશ વર્ષ.
દાદાશ્રી : ત્યારે શું શીખ્યા એમાં ? ભાષા ! આ અંગ્રેજી ભાષા હારુ દશ વર્ષ કાઢ્યા, તો અહીંયા મારી પાસે તો છ મહિના કહું છું. છ મહિના મારી પાછળ ફરેને તો કામ થઈ જાય.
નિશ્ચય સ્ટ્રોંગ તો અંતરાય બ્રેક
પ્રશ્નકર્તા : બહારના પ્રોગ્રામ નક્કી થયેલા છે. એટલે આવવાની તકલીફ પડે એવી છે.
દાદાશ્રી : એ તો આપણો ભાવ સ્ટ્રોંગ હોય તો પેલું તૂટી જાય. મહીં આપણો ભાવ સ્ટ્રોંગ છે કે ઢીલો છે એ જોઈ લેવાનું.
ગેરન્ટી સત્સંગથી, સંસાર તફાતી
મારે ત્યાં બધા વેપારીઓ આવે છે ને, તે કલાક દુકાને મોડા જાયને, તે રૂપિયા પાંચસો-હજારનું નુકસાન થાય એવા. તે મેં કહ્યું, અહીંયા આવશો તેટલો વખત નુકસાન નહીં જાય અને જો વચ્ચે રસ્તામાં કોઈ દુકાનમાં અડધો કલાક ઊભા રહેશો, તો તમને નુકસાન થશે. અહીં આવશો તો જોખમદારી મારી. કારણ કે આમાં મારે કંઈ લેવા-દેવા નથી.
૨૬