________________
પચાસ, આટલા રૂપિયા થયા ! એ એલર્ટ એટલે એને વધારે ભોગવવાનું. એના પરથી ભોગવે એની ભૂલ. એ જો એટલું પૃથક્કરણ કરતો કરતો આગળ વધે તો સીધો મોક્ષે જાય.
પ્રશ્નકર્તા: કેટલાક લોકો એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તોય તે સમજતાં નથી.
દાદાશ્રી : એ ના સમજતાં હોય તો આપણી જ ભૂલનું પરિણામ છે. આ જે લોકોની ભૂલ જુએ છે, એ તો સાવ ખોટું છે. પોતાની ભૂલને લઈને નિમિત્ત મળે છે. આ તો પાછું જીવતું નિમિત્ત મળે તો તેને બચકાં ભરે ને આ કાંટો વાગ્યો હોય તો શું કરે ? ચાર રસ્તા પર કાંટો પડ્યો હોય ને હજારો માણસો જાય પણ કોઈનેય અડે નહીં, પણ ચંદુભાઈ ત્યાંથી જાય, તે કાંટો વાંકો હોય તોય તેને પગે વાગે. જેને કાંટો વાગવાનો હોય તેને જ વાગે, બધા જ સંયોગો ભેગા કરી આપે, પણ એમાં નિમિત્તનો શો દોષ ?
કોઈ પૂછે કે મારે મારી ભૂલો કેવી રીતે ખોળવી? તો અમે એને શીખવાડીએ કે તને ક્યાં ક્યાં ભોગવટો આવે છે, એ તારી ભૂલ. તારી શી ભૂલ થઈ હશે તે આવું ભોગવવાનું આવ્યું, એ ખોળી કાઢજે.
મૂળ ભૂલ ક્યાં છે? ભૂલ કોની? ભોગવે એની ! શું ભૂલ? ત્યારે કહે છે, “હું ચંદુભાઈ છું' એ માન્યતા જ તારી ભૂલ છે. કારણ કે આ જગતમાં કોઈ દોષિત જ નથી. એટલે કોઈ ગુનેગાર પણ નથી, એમ સાબિત થાય.
આ દુઃખ દે છે, એ તો માત્ર નિમિત્ત છે પણ મૂળ ભૂલ પોતાની જ છે. જે ફાયદો કરે છે એ નિમિત્ત છે અને જે નુકસાન કરાવે છે એમ નિમિત્ત છે. પણ એ આપણો જ હિસાબ છે તેથી આમ થાય છે.
૫૧