________________
નિષ્પક્ષપાતી ત્રિમંદિર શા માટે ?
જ્યારે જ્યારે મૂળ પુરુષો હાજર હોય છે જેવાં કે શ્રી મહાવીર ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી રામ ભગવાન ત્યારે તેઓ લોકોને ધર્મોના મતમતાંતરમાંથી બહાર કાઢી આત્મધર્મમાં સ્થિર કરે છે અને કાળક્રમે મૂળ પુરુષની ગેરહાજરી થવાથી દુનિયામાં ધીરે ધીરે મતભેદ પડી જઈ ધર્મમાં વાડા-સંપ્રદાયો બની જાય છે. તેનાં પરિણામે સુખ-શાંતિ ગુમાવતાં જાય છે.
અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાને (દાદાશ્રીએ)લોકોને આત્મધર્મ તો પમાડ્યો પણ સાથે સાથે ધર્મમાં રહેલા મારા-તારીના ઝઘડા દૂર કરવા અને લોકોને પક્ષાપક્ષીના આગ્રહની બદીના જોખમમાંથી બહાર કાઢવા એક અનોખું પગલું લીધું, તે હતું નિષ્પક્ષપાતી ધર્મસંકુલનું નિર્માણ.
મોક્ષના ધ્યેયની પૂર્ણાહૂતિ કાજે શ્રી મહાવીર સ્વામી ભગવાને આત્મજ્ઞાનપ્રાપ્તિનો માર્ગ જગતને આપેલ, શ્રીકૃષ્ણ ભગવાને ગીતાના ઉપદેશમાં ‘આત્મવત્ સર્વભૂતેષુ’ની દૃષ્ટિ અર્જુનને આપી અને જીવ અને શિવનો ભેદ ભૂલાય ત્યારે આપણે પોતે જ શિવસ્વરૂપ થતાં ‘ચિદાનંદરૂપઃ શિવોહમ્ શિવોહમ્’ની દશાએ પહોંચાય છે. આમ સૌ ધર્મના મૂળ પુરુષોના હૃદયની વાત આત્મજ્ઞાન પ્રાપ્તિની જ હતી, જે સમજાય તો આત્મજ્ઞાનપ્રાપ્તિનો પુરુષાર્થ શરૂ થાય અને દરેકને આત્મદૃષ્ટિથી જોતાં અભેદતા ઉત્પન્ન થાય. કોઈ પણ ધર્મનું ખંડન-મંડન ના થાય કે પ્રમાણ આપણાથી ના દુભાય એવી ભાવના નિરંતર રહ્યા કરે છે.
પરમ પૂજ્ય દાદાશ્રી કહેતાં કે જાણતાં-અજાણતાં જેની જેની વિરાધના થઈ હોય એ સર્વની આરાધના થવાથી એ બધી વિરાધનાઓ ધોવાઈ જાય. આવાં નિષ્પક્ષપાતી ત્રિમંદિર સંકુલમાં પ્રવેશ કરી બધા જુદા જુદા ભગવાનની મૂર્તિ પાસે બે હાથ જોડી સહજતાથી માથું ઝુકે છે ત્યારે અંદરથી બધી પકડ, દુરાગ્રહ, ભેદભાવ ભરેલી માન્યતાઓ ભૂંસાતી જાય છે અને નિરાગ્રહી થવાય છે.
મુખ્ય કેન્દ્ર તરીકે કાર્યરત પરમ પૂજ્ય દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર અડાલજ મુકામે, અમદાવાદ-મહેસાણા હાઈવે પર, અમદાવાદથી આશરે ૧૮ કિ.મી. દૂર આવેલું છે. આ સિવાય અમદાવાદ, રાજકોટ, ભૂજ, ગોધરા જેવાં શહેરોમાં તથા ચલામલી, ભાદરણ, વાસણા, કટોસણ જેવાં ગામોમાં નિષ્પક્ષપાતી ત્રિમંદિરોનું નિર્માણ થયેલ છે. હાલમાં મુંબઈમાં બોરીવલી ખાતે આવું જ ભવ્ય નિષ્પક્ષપાતી ત્રિમંદિર નિર્માણ હેઠળ છે.