________________
ભોગવે એની ભૂલ
કુદરતના ન્યાયાલયમાં... આ જગતના ન્યાયાધીશ તો ઠેર ઠેર હોય છે પણ કર્મ જગતના કુદરતી ન્યાયાધીશ તો એક જ, ‘ભોગવે એની ભૂલ.” આ એક જ ન્યાય છે. તેનાથી આખું જગત ચાલી રહ્યું છે અને ભ્રાંતિના ન્યાયથી આખોય સંસાર ઊભો છે.
એક ક્ષણવાર જગત કાયદા વગર રહેતું નથી. ઈનામ આપવાનું હોય તેને ઈનામ આપે છે, દંડ આપવાનો હોય તેને દંડ આપે છે. જગત કાયદાની બહાર ચાલતું નથી, કાયદેસર જ છે, સંપૂર્ણ ન્યાયપૂર્વક જ છે. પણ સામાની દૃષ્ટિમાં નહીં દેખાવાથી સમજાતું નથી. એ દૃષ્ટિ નિર્મળ થશે ત્યારે ન્યાય દેખાશે. સ્વાર્થ દૃષ્ટિ હોય, ત્યાં સુધી ન્યાય કેમ દેખાય ?
આપણે કેમ ભોગવવાનું? આપણને દુઃખ કેમ ભોગવવું પડ્યું, તે ખોળી કાઢને? આ તો આપણે આપણી ભૂલે બંધાયા છીએ. કંઈ લોકોએ આવીને બાંધ્યા નથી. તે ભૂલ ભાંગે પછી મુક્ત. અને ખરેખર તો મુક્ત જ છે, પણ ભૂલને લીધે બંધન ભોગવે છે.
જગતની વાસ્તવિકતાનું રહસ્યજ્ઞાન લોકોના લક્ષમાં જ નથી અને જેનાથી ભટક ભટક કરવું પડે, એ અજ્ઞાન-જ્ઞાનની બધાને ખબર છે. આ ગજવું કપાયું, તેમાં કોની ભૂલ? આના ગજવામાંથી ના કપાયું ને તારું જ કેમ કપાયું ? તમારા બેમાંથી અત્યારે કોણ ભોગવે છે ? ‘ભોગવે એની ભૂલ !”
ભોગવવાનું પોતાની ભૂલને કારણે જે દુઃખ ભોગવે એની ભૂલ અને સુખ ભોગવે તો એ એનું ઈનામ.
४७