________________
બુદ્ધિથી તમે જુદા પડી જાવ. એક ફેરો જાણી લીધા પછી બુદ્ધિનું માનીએ નહીં આપણે. બન્યું એ ન્યાય. કોર્ટના ન્યાયમાં ઊંધું-ચતું થઈ જાય પણ આ ન્યાયમાં ફેર નહીં.
ન્યાય ખોળી ખોળીને તો દમ નીકળી ગયો છે. માણસના મનમાં એમ થાય કે આ મેં શું બગાડ્યું છે, તે મારું આ બગાડે છે. ન્યાય ખોળવા ગયા, તેનો આ બધો માર પડે છે. એટલે ન્યાય ખોળવો નહીં. ન્યાય ખોળીને તો આ બધાને સોળા પડી ગયા ને બન્યું એનું એ જ પાછું. સરવાળે તો એનું એ જ આવ્યું હોય. તો પછી શા માટે પહેલેથી ના સમજીએ ? આ તો અહંકારની ડખલ છે ખાલી !
વિકલ્પોનો અંત એ જ મોક્ષમાર્ગ હવે બુદ્ધિ જ્યારે વિકલ્પો કરાવડાવે ને, ત્યારે કહી દેવું, જે બન્યું એ ન્યાય. બુદ્ધિ ન્યાય ખોળે કે મારાથી નાનો થયો, મર્યાદા રાખતો નથી. એ રાખી એ જ ન્યાય અને ના રાખી તેય જાય. જેટલી બુદ્ધિ નિર્વિવાદ થશે એટલે નિર્વિકલ્પ થાય પછી !
ન્યાય ખોળવા નીકળ્યા એટલે વિકલ્પો વધતા જ જાય અને આ કુદરતી ન્યાય વિકલ્પોને નિર્વિકલ્પ બનાવતો જાય. બની ગયું એ ન્યાય. અને તેમ છતાંય પછી પાંચ માણસ લવાદ મૂકે તેય પણ પેલાની વિરુદ્ધમાં જાય. તે પેલો એ ન્યાયને ગાંઠે નહીં એટલે કોઈને ગાંઠે નહીં. પછી વિકલ્પો વધતા જ જાય. પોતાની આજુબાજુ જાળું જ વીંટી રહ્યો છે એ માણસ કશું પ્રાપ્ત નથી કરતો. પાર વગરનો દુઃખી થયો ! એનાં કરતાં પહેલેથી જ શ્રદ્ધા રાખે કે બની ગયું એ ન્યાય.
અને કુદરત હંમેશાં ન્યાય જ કર્યા કરે છે, નિરંતર ન્યાય જ કરી રહી છે અને એ પુરાવા આપી શકે નહીં. પુરાવા “જ્ઞાની” આપે કે ન્યાય કઈ રીતે ? એ બન્યું, ‘જ્ઞાની” કહી આપે. એને સંતોષ કરી આપે અને તો નિવેડો આવે. નિર્વિકલ્પી થાય તો નિવેડો આવે.