________________
છે ને ! ચોપડા બાકી છે તેથી, નહીં તો કોઈ દહાડો આપણું કશું લે નહીં. કોઈથી લઈ શકે એવી શક્તિ જ નથી. અને લઈ લેવું એ તો આપણો કંઈક આગળ-પાછળનો હિસાબ છે. આ દુનિયામાં કોઈ જભ્યો નથી કે જે કોઈનું કશું કરી શકે. એટલું બધું નિયમવાળું જગત છે.
જડે કારણ, પરિણામ પરથી આ બધું રીઝલ્ટ છે. જેમ પરીક્ષામાં રીઝલ્ટ આવે ને, આ ગણિતમાં સો માર્કમાંથી પંચાણું માર્ક આવે અને અંગ્રેજીમાં સો માર્કમાંથી પચ્ચીસ માર્ક આવે. તે આપણને ખબર ના પડે કે આમાં ક્યાં આગળ ભૂલ રહે છે ? આ પરિણામ ઉપરથી, શું શું કારણથી ભૂલ થઈ એ આપણને ખબર પડે ને? આ બધાં સંયોગો જે ભેગાં થાય છે, એ બધાં પરિણામ છે. અને એ પરિણામ ઉપરથી શું કૉઝ હતું, તે આપણને જડે.
અહીં રસ્તામાં માણસો આવતાં-જતાં હોય અને બાવળની શૂળ આમ ઊભી પડેલી હોય. લોક એટલું આવતું-જતું હોય, પણ શૂળ એમની એમ જ પડેલી હોય. અને આપણે કોઈ દહાડો ચપ્પલ વગર નીકળીએ નહીં, પણ તે દહાડે કોઈકને ત્યાં ગયા હોય ને ત્યાં બૂમ પડે કે ચોર આવ્યો, ચોર આવ્યો. તે આપણે ઊઘાડે પગે નાઠાં. તે શૂળ આપણને પગે વાગે. તે હિસાબ આપણો !
કોઈ દુઃખ આપે તો, જમે કરી લેવું. તે આપેલું હશે તે જ પાછું જમે કરવાનું છે. કારણ કે અહીં આગળ એમ ને એમ બીજાને દુઃખ આપી શકે, એવો કાયદો નથી. એની પાછળ કૉઝ હોવાં જોઈએ. માટે જમે કરી લેવું.
ભગવાનને ત્યાં કેવું હોય? ભગવાન ન્યાય સ્વરૂપ નથી ને ભગવાન અન્યાય સ્વરૂપેય નથી. કોઈને દુઃખ ના હો એ જ ભગવાનની ભાષા છે. ન્યાય-અન્યાય એ તો લોકભાષા છે.
૪૪