________________
मोहरिते सच्चवयणस्स पलिमंधू
૧૩૫
વાણીની મુખરતા સાથે માદકતા જ્યારે ભળે છે ત્યારે વાણી વધુ ખીલવા લાગે છે. કેટલાક માણસોને ન બોલવું હોય તો પણ તેમની પાસે જ્યારે બોલાવવું હોય ત્યારે બીજાઓ દ્વારા તેને માદક પીણું પિવડાવવાનો પ્રયોગ થાય છે. માદક પીણાનો નશો જ્યારે ચઢે છે ત્યારે માણસની જીભ છૂટી થઈ જાય છે. શરૂઆતમાં તે કંઈ ચબરાકીભરેલું અને બીજાને હસાવે એવું વાચાળ બોલવા લાગે છે. પણ પછી જેમ જેમ નશો ચઢતો જાય છે તેમ તેમ એવા વાચાળ માણસ વધુ વાચાળ બને છે અને ન બોલવાનું બોલી બેસે છે. ક્યારેક અશ્લીલ શબ્દો પણ બોલવા લાગે છે. માણસ પોતાનાં સ્વજનો, સગાંઓ, સંબંધીઓ, ધંધાદારી કે સામાજિક કે રાજદ્વારી સંબંધો વિશે પોતાના આંતરમનમાં પડેલા ગુપ્ત અભિપ્રાયો કે વિચારો પ્રગટ કરી દે છે. તેના મનનો બધો કચરો બહાર આવે છે. કેટલીક વાર માણસની ખાનગી વાત કઢાવવા માટે એને વધુ શરાબ પિવડાવી દેવામાં આવે છે. એથી જ રાજદ્વારી નેતાઓ એકબીજાના દેશમાં વાટાઘાટો કરવા માટે જ્યારે જાય છે અને શરાબ પીવાના તેઓ શોખીન હોય છે તો તે પીવામાં તેમને બહુ સંભાળવું પડે છે. દુનિયાના ઘણા દેશોમાં સાંજે ભોજન પહેલાં શરાબ પીવાની પ્રથા હોય છે, કારણ કે શરાબના ઘેન પછી માણસ ઘસઘસાટ ઊંઘી જાય છે. આથી કેટલીક કંપનીઓના એજન્ટો જ્યારે વિદેશમાં સોદો કરવા જાય છે ત્યારે સાંજના શરાબ સહિતના ભોજન પછી કોઈ ધંધાદારી વાટાઘાટ ન કરવાની સલાહ તેમની કંપની તરફથી આપવામાં આવે છે, કારણ કે શરાબ પછી વાચાળતા ચાલુ થાય તો ઉત્સાહમાં આવી જઈને એજન્ટ ગમે તે દરખાસ્ત કબૂલ કરી નાખે જે કંપનીને માટે નુકસાનકારક હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org