Book Title: Viragni Masti Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan View full book textPage 3
________________ વિરાગની મસ્તી પ્રસ્તાવના ૩ આ પુસ્તકની પ્રસ્તાવના લખવા વિશે મને કહેવામાં આવ્યું ત્યારે મને ક્ષોભ થયો. એક સાધુપુરુષના પુસ્તકની પ્રસ્તાવના એક ગૃહસ્થ લખે તેમાં મને ઔચિત્યના નિયમનો ભંગ થતો લાગ્યો, છતાં કેટલીક વ્યક્તિઓ એવી છે જેમની તીવ્ર લાગણીનો અનાદર થઈ શકતો નથી. સાધુ એટલે મોક્ષમાર્ગનો સાધક. જેને તમે દુનિયા કહો છો તે તેમનું જીવન નથી. જે મેળવવામાં પડ્યો છે આ તેની દુનિયા છે. જે છોડવામાં પડયા છે તેનું ‘જીવન’ છે. જેને છોડતા આવડે છે તે જ ખરું મેળવતાં શીખે છે. જે સ્ત્રી છોડે છે તેને સૌંદર્ય મળે છે. જે આહાર છોડે છે તેને જીવનશક્તિની ઉષ્મા મળે છે. જે ધન છોડે છે તેને ધર્મ મળે છે. જે દુનિયા છોડે છે તેને આત્મા મળે છે. આ બધું છોડ્યું છે તેનો વિચાર પણ જે છોડે છે તે ‘મેળવ્યું છે’નો વિચાર પણ છોડે છે. ‘છોડવું’ અને ‘મેળવવું’ તે બંનેની પેલી પાર માત્ર ‘“હોવાપણું’’ છે. ત્યાં છે ચિદાનંદમય સત્તાનું અખંડ પ્રસારણ. ત્યાં છે વિરાગની મસ્તી. આ એક ‘શૂન્ય’ દશા છે જ્યાં પહોંચવા માટે પહેલા સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવું પડે છે. સ્થૂળમાંથી સૂક્ષ્મમાં અને સૂક્ષ્મમાંથી શૂન્યમાં એવી તીર્થયાત્રા, તે જ જીવન છે. આપણું જીવન રખડપટ્ટીરૂપ છે, પ્રવાસરૂપ છે પણ તીર્થયાત્રા સ્વરૂપ નથી. વિરાગની મસ્તી માટે તીર્થયાત્રા કરનાર સાધુ છે. સ્થૂળમાંથી સૂક્ષ્મમાં અને સૂક્ષ્મમાંથી શૂન્યમાં જવાની આધ્યાત્મિક પ્રક્રિયા તે સાધુપદનું જીવન છે. જેને છોડવાની કળા સિદ્ધ થઈ છે તે સાધુ છે. જેને છોડતાં આવડે છે તેનું જીવન સીધું સાદું અને સરળ છે. ધર્મ બીજું કશું જ નથી પણ વિકાસના નૈસર્ગિક વહેણમાં સરી જતી જીવનસરિતા છે. આધુનિક યુગ જીવનને શણગારવામાં માને છે. જીવનને આરસની તકતીઓમાં મઢી દેવા માંગે છે. કેસરના છાંટણાં કરી જીવનને આસોપાલવનાં તોરણથી શણગારી દેવા માગે છે. સુખ, સલામતી અને સગવડોના થર ઉપર થર ચડાવી જીવનને કૃત્રિમ ઓપ આપવાની ઘેલછાથી આજે માનવી અકાળે વૃદ્ધ થતો જાય છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 104