________________
૭૬ : સ્વાધ્યાય સંચય
સાડાત્રણ કરોડ રોમથી તે ભરેલી હોવાથી કરોડો રોગનો તે ભંડાર છે એમ વિવેકથી સિદ્ધ છે. અન્નાદિની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે; મૂળમૂત્ર, નરક, હાડ, માંસ, પરુ અને શ્લેષ્મથી જેનું બંધારણ ટક્યું છે; ત્વચાથી માત્ર જેની મનોહરતા છે, તે કાયાનો મોહ ખરે! વિભ્રમ જ છે! સનતકુમારે જેનું લેશમાત્ર માન કર્યું તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહો પામર તું શું મોહે છે? એ મોહ મંગળદાયક નથી.’૧
આમ છતાં પણ આગળ ઉપર મનુષ્યદેહને સર્વદેહોત્તમ કહેવો પડશે. એનાથી સિદ્ધ ગતિની સિદ્ધિ છે એમ કહેવાનું છે. ત્યાં આગળ નિ:શંક થવા માટે અહીં નામ માત્ર વ્યાખ્યાન આપ્યું છે. આત્માના શુભ કર્મનો જ્યારે ઉદય આવ્યો ત્યારે તે મનુષ્યદેહ પામ્યો. મનુષ્ય એટલે બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે ઓષ્ઠ, એક નાકવાળા દેહનો અધીશ્વર એમ નથી પણ એનો મર્મ જુદો જ છે. જો એમ અવિવેક દાખવીએ તો પછી વાનરને મનુષ્ય ગણવામાં દોષ શો? એ બિચારાએ તો એક પૂંછડું પણ વધારે પ્રાપ્ત કર્યું છે. પણ નહીં, મનુષ્યનો મર્મ આમ છે : વિવેક બુદ્ધિ જેના મનમાં ઉદય પામી છે, તે જ મનુષ્ય; બાકી બધાય એ સિવાયનાં તે દ્રિપાદરૂપે પશુ જ છે. મેધાવી પુરુષો નિરંતર એ માનવત્વનો આમ જ મર્મ પ્રકાશે છે. વિવેકબુદ્ધિના ઉદય વડે મુક્તિના રાજમાર્ગમાં પ્રવેશ કરાય છે અને એ માર્ગમાં પ્રવેશ એ જ માનવદેહની ઉત્તમતા છે તો પણ સ્મૃતિજ્ઞાન થવું યથોચિત છે કે, તે દેહ કેવળ અશુચિમય તે અશુચિમય જ છે. એના સ્વભાવમાં અન્યત્વ નથી.
અંતદર્શન–નિવૃત્તિ બોધ
અનંત સૌખ્ય નામ દુ:ખ, ત્યાં રહી ન મિત્રતા! અનંત દુ:ખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં, વિચિત્રતા! ઉઘાડ ન્યાય-નેત્રને, નિહાળ રે, નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી, ને પ્રવૃત્તિ બાળ તું.