________________
૧૫૬ : સ્વાધ્યાય સંચય
જે જ્ઞાનમય સહજ આત્મ, તે સ્વાત્મા થકી જોવાય છે, શુભ યોગમાં સાધુ સકળને, આમ અનુભવ થાય છે; નિજ આત્મમાં એકાગ્રતા, સ્થિરતા વળી નિજ આત્મમાં, સંપૂર્ણ સુખને સાધવા તું, આત્મથી જો આત્મમાં. ૨૫
આ આત્મ મારો એક ને, શાશ્વત નિરંતર રૂપ છે, વિશુદ્ધ નિજ સ્વભાવમાં, રમી રહ્યો છે નિત્ય તે; વિશ્વની સહુ વસ્તુનો, નિજ કર્મ ઉદ્ભવ થાય છે, નિજ કર્મથી વળી વસ્તુનો, વિનાશ વિનિમય થાય છે. ૨૬
જો આત્મ જોડે એકતા, આવી નહીં આ દેહની, તો એકતા શું આવશે, સ્ત્રી પુત્ર મિત્રો સાથની? જો થાય જુદી ચામડી, આ શરીરથી ઉતારતાં, તો રોમ સુંદર દેહ પર, પામે પછી શું સ્થિરતા? ૨૭
આ વિશ્વની કો વસ્તુમાં, જો સ્નેહ બંધન થાય છે, તો જન્મ મૃત્યુ ચક્રમાં, ચેતન વધુ ભટકાય છે; મુજ મન, વચન ને કાયનો, સંયોગ પરનો છોડવો, શુભ મોક્ષના અભિલાષનો, આ માર્ગ સાચો જાણવો. ૨૮ સંસારરૂપી સાગરે, જે અવનતિમાં લઈ જતી, તે વાસનાની જાળ પ્યારા, તોડ સંયમ જોરથી; વળી બાહ્યથી છે આત્મ જુદો, ભેદ મોટો જાણવો, તલ્લીન થઈ ભગવાનમાં, ભવપંથ વિકટ કાપવો. ૨૯ કર્મો કર્યા જે આપણે, ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વિણ, માર્ગ એકે છે નહિ, પરનું કરેલું કર્મ જો, પરિણામ આપે મુજને, તો મુજ કરેલા કર્મનો, સમજાય નહિ કંઈ અર્થને. ૩૦