________________
માતાજી, રજા આપો તો સાઘુ થવું છે
કૃપાળુદેવે માતાજીને કહ્યું: “માતાજી અમને તમો રજા આપો તો જંગલમાં જઈને સાધુ થવું છે.” માતાજીએ કહ્યું, “ભાઈ, અમે તમને રજા કેમ આપીએ ? કાંઈ સાધુ થઈ જવાય? ભાઈ, તું એવું કેમ કહે છે?” માતાજીના આંખમાંથી આંસુ પડ્યાં. પછી કૃપાળુદેવે કહ્યું કે મા, જીવતો જોગી.. કોઈ દિવસ તેનું મોઢું જોવા તમને મળશે ને તમારાં બારણે આવશે. પછી કોઈ રાજાનું કૃપાળુદેવે દ્રષ્ટાંત આપ્યું. માતાજીની આંખમાંથી આંસુની ઘારા વહેવા લાગી. પછી કૃપાળુદેવે કહ્યું કે મા, તમને જેમ ઠીક લાગે તેમ, હવે હું બોલીશ નહીં. તમારે દુઃખ ન લગાડવું.” (અ.પૃ.૫૭) “અમે ઘારીએ છીએ તેમ સર્વસંગપરિત્યાગાદિ થાય તો હજારો માણસ મૂળમાર્ગને પામે, અને હજારો માણસ તે સન્માર્ગને આરાધી સદ્ગતિને પામે એમ અમારાથી થવું સંભવે છે. અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણા જીવને વૃત્તિ થાય એવો અંગમાં ત્યાગ છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૧૮)
નિવૃત્ત સ્થળે આત્મસાધના
“શ્રીમદ્ વર્ષમાં કેટલાક મહિનાઓ તો મુંબઈ છોડી ચાલ્યા જતા અને પોતાની પેઢીએ કહી જતા કે જ્યાં સુધી પોતે લખે નહીં, ત્યાં સુધી કોઈએ તેમની સાથે પત્રવ્યવહાર પણ ચલાવવો નહીં. ગુજરાતનાં વનોમાં તેઓ એકાંતવાસ ગાળતા. અને ત્યાં રહી ચિંતવન અને યોગમાં દહાડા અને અઠવાડિયાં વ્યતીત કરતા.” (જી.પૃ.૧૬૦)
આમ વ્યાપારથી અનેકવાર નિવૃત્તિ મેળવી કાવિઠા, ઈડર, ખંભાત, વડવા, રાળજ, ઉત્તરસંડા, વસો આદિ સ્થળોએ નિવાસ કરી પ્રબળ આત્મપુરુષાર્થવડે પોતાનું પરમાત્મ સ્વરૂપ પ્રગટ કર્યું હતું.
“દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂર એમ જ છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૧૯)
“પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૮૮) “અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ, તો આ કાળમાં
અમે પોતે નથી, એમ કહેવા તુલ્ય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૫૪)
૧૦૮