________________
બાળકોને દૃષ્ટાંત દ્વારા ઉપદેશ
શ્રી શંકરભાઈ અજુભાઈ જણાવે છે ઃ એક વખત કાવિઠાના નિશાળિયા કૃપાળુદેવની પાછળ વગડામાં આવ્યા. ત્યારે કૃપાળુદેવે તેમને પૂછ્યું : છોકરાઓ ! તમારા એક હાથમાં છાસનો લોટો હોય અને બીજા હાથમાં ઘીનો લોટો હોય અને માર્ગે જતાં કોઈનો ઘક્કો વાગે તો કયો લોટો સાચવો ? એક છોકરાએ કહ્યું ઘીનો લોટો. કેમ, તો કે છાસ તો કોઈ ભરી આપે પણ ઘીનો લોટો કોઈ ભરી આપે નહીં. તે ઉપરથી કૃપાળુદેવે સાર સમજાવ્યો કે ઘીના જેવો મૂલ્યવાન આત્મા છે તેને સાચવવો અને આપત્તિ આવ્યે છાસ જેવા દેહને જતો કરવો. પછી કૃપાળુદેવે કહ્યું : તમે તરવાર જોઈ છે ? બાળકો કહે હા. ત્યારે કૃપાળુદેવે કહ્યું : તે મ્યાનથી જુદી છે તેમ ત૨વા૨ જેવો આત્મા, ઉપરથી મ્યાનની જેમ શરીરરૂપે દેખાવા છતાં પણ, તે મ્યાનથી તરવારની જેમ જુદો છે એમ જાણવું. ફરી કૃપાળુદેવે પૂછ્યું : બાળકો ! તમોએ બકરી દીઠી છે ? હા, રબારીને ત્યાં છે. ઠીક ત્યારે, તમોએ પાડો જોયો છે ? હા, ભેસ જેવો હોય. પછી કૃપાળુદેવે જણાવ્યું કે બકરી તળાવે પાણી પીવા જાય તે બિચારી કાંઠા ઉપર ઊભી રહીને પાણી પી આવે. જ્યારે પાડો પાણી પીધા વિના આવે. છોકરાઓએ કહ્યું એમ કેમ ? ત્યારે કૃપાળુદેવે બોધરૂપે જણાવ્યું કે પાડો તળાવમાં જઈ પાણીને ડોળી નાખે છે. તેથી પી શકતો નથી. તેમ કેટલાક જીવો જ્ઞાનીપુરુષ પાસે જઈ પોતાનું ડહાપણ ડોળે છે, તેથી પોતે પામી શકતા નથી અને બીજાને અંતરાયરૂપ થાય છે, તે પાડાની માફક સમજવા. અને જે જીવો સરળભાવે શ્રવણ કરી બોધ પામે તે બકરીની માફક પાણી પીનાર સમજવા.
આમ પરમકૃપાળુદેવે આત્મા સર્વમાં સારરૂપ છે, તે દેહથી ભિન્ન છે, અને જ્ઞાનીપુરુષ કહે તેમ પોતાનું ડહાપણ-સ્વચ્છંદ મૂકી તેમની આજ્ઞા ઉઠાવવામાં જીવનું કલ્યાણ છે, તે દૃષ્ટાંતો વડે બાળકો સમજી શકે તેમ જણાવ્યું હતું.
“દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે ? તે સુખી છે કે દુઃખી ? એ સંભારી લે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૦૦)
૧૦૭