Book Title: Shrimad Rajchandra Sachitra Jivan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 163
________________ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની દૃષ્ટિમાં પરમકૃપાળુદેવ પરમપૂજ્ય પ્રભુશ્રીજીની દૃષ્ટિમાં તો પરમકૃપાળુદેવ પરમાત્મા છે. ‘જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ.’ કોઈને પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્વાન, કવિ, શતાવધાની, પ્રખર જ્યોતિષી કે જ્ઞાનીપુરુષ જણાયા પરંતુ પરમપૂજ્ય પ્રભુશ્રીજીની દૃષ્ટિમાં તો તેઓ પરમાત્મા છે. જીવન પર્યંત પોતે પરમકૃપાળુદેવની ભક્તિમાં તન્મય રહ્યા. તેમની અપૂર્વ એવી ભક્તિ અને શ્રદ્ધાના કારણે પોતે આત્મજ્ઞાન પામ્યા અને પૂર્વ ભવો નિહાળ્યા બાદ જન્મમરણથી છૂટવાના કામી જીવો જે જે પ.પૂ.પ્રભુશ્રીજી પાસે આવ્યા તેમને પણ પોતા તરફ નહીં વાળતા કહ્યું કે – એક પરમકૃપાળુદેવને જ ગુરુ માનો. અમારા ગુરુ એ જ તમારા ગુરુ; પરમકૃપાળુદેવને ગુરુ માનશો તો અમારી આંતરડી ઠરશે એમ કહી પોતે ગૌણ થઈ ગયા. વળી જણાવ્યું કે કોઈને પણ જ્ઞાની અજ્ઞાની કહેવા નહીં; તેમજ માનવા નહીં. કોઈ જ્ઞાની હશે તો પરમકૃપાળુદેવના સ્વરૂપમાં સમાઈ ગયા. ગુરુ કરવામાં કદી ભૂલ કરશો નહીં. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને જ સદ્ગુરુપદે સ્થાપી તેમની આજ્ઞા ઉપાસો. એમ કરશો તો તમારા આત્માનું કલ્યાણ થઈ જશે; તેનો અમે વીમો ઉતારીએ છીએ કેમકે એ માર્ગમાં ભૂલ નથી. ‘ઉપદેશામૃત’માંથી : જ અમે અમારું હૃદય જણાવીએ છીએ. અમને તો રોમરોમ એક એ જ પ્રિય છે. પરમકૃપાળુદેવ એ જ એક અમારી જીવનદોરી છે. તેમના ગુણગ્રામ થાય ત્યાં અમને ઉલ્લાસ આવે છે. અમારું તો સર્વસ્વ એ જ છે. અમને એ જ માન્ય છે. તમારે એવી માન્યતા કરવી એ તમારો અધિકાર છે, મહાભાગ્ય હશે તેને એ માન્યતા થશે. સરળતાથી જણાવીએ છીએ કે જેને એ માન્યતા થશે તેનું કલ્યાણ થઈ જશે – બાળાબભોળાનું કામ થશે. શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ થશે તેનું ભવભ્રમણ મટી જશે. (ઉ.પૃ.૩૫૮) સદ્ગુરુ પરમકૃપાળુનું શરણું રાખવું. અમે પણ એના દાસના દાસ છીએ. પોતાની કલ્પનાએ કોઈને ગુરુ માની લેવા નહીં, કોઈને જ્ઞાની કહેવા નહીં; મઘ્યસ્થ દૃષ્ટિ રાખવી. એક પરમાત્મા પરમકૃપાળુદેવને માનવા; તે શ્રદ્ધા કરવી. તેને અમે પણ માનીએ છીએ, અમારા અને તમારા ઘણી જુદા ન કરવા. એ એક જ છે. એ ઉપર પ્રેમ કરવો, પ્રીતિ કરવી. (ઉ.પૃ.૯૬) ઘીંગો ઘણી એક પરમકૃપાળુદેવ અમે જે કર્યો છે તે તમારા ગુરુ છે; અમે પણ તમારા ગુરુ નહીં, પણ અમે જે ગુરુ કર્યા છે તે તમારા ગુરુ છે. એવો નિઃશંક અધ્યવસાય રાખી જે દુઃખ આવે તે સહન કરવું. કાળે કરીને સર્વ જવાનું છે. (ઉ.પૃ.૯૭) ગૌતમસ્વામીએ પંદરસો તાપસોને જ્ઞાન પમાડ્યું ત્યારે ગૌતમસ્વામીને ગુરુ માનવા લાગ્યા. પણ ગૌતમસ્વામી તેમને મહાવીર પ્રભુ પાસે લઈ ગયા અને તેમને જ માનવા કહ્યું. એમ જે સત્પુરુષ ઉપકારી છે તેમના કહેવાનો આશય સમજવો અને આજ્ઞા આરાધવી કારણ કે આ જીવની સમજણ અલ્પ છે. (ઉ.પૃ.૪૩૫) પરમકૃપાળુદેવની શ્રદ્ઘા અમારા કહેવાથી કરશે તેનું કલ્યાણ થશે એમ જે જણાવ્યું હતું તથા સંતના કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે એમ પ્રતિજ્ઞાપૂર્વક સર્વેએ પરમકૃપાળુદેવની સમક્ષ કહ્યું હતું તે યાદ લાવીને શ્રદ્ઘા જેટલી દૃઢ થાય તેટલી કર્તવ્ય છે. હાથીના પગલામાં બધાં પગલાં સમાય છે, તેમ પરમકૃપાળુદેવની ભક્તિમાં સર્વ જ્ઞાનીઓની ભક્તિ આવી જાય છે; માટે ભેદભાવની કલ્પના દૂર કરી જે આજ્ઞા થઈ છે, તે પ્રમાણે, ‘વાળ્યો વળે જેમ હેમ’, તેમ પોતાના ભાવ વાળી એક ઉપર આવી જવા યોગ્ય છે. (ઉ.પૃ.૧૩૭) કૃપાળુદેવ સંસારમાં હતા પરંતુ આત્મજ્ઞાની હતા. તેથી દેવોને પણ પૂજ્ય હતા. જે જોવાનું છે તે ઉપરનો દેખાવ કે વર્તન નહીં પરંતુ આત્માની દશા; અને તે હોય ત્યાં પછી શ્રદ્ધા જ કરવાની છે. (ઉ.પૃ.૪૩૩) જ્ઞાની અને અજ્ઞાનીનાં કાર્યોમાં ભેદ વાસનાક્ષયનો છે. અંતરની વાસનાનું મૂળિયું જ્ઞાનીએ ક્ષય કરેલું છે. તે દૃષ્ટિ ભૂલી ન જવી. વળી બધા સત્પુરુષ સરખા ગણી ગુરુભાવના ગૌણ ન કરવી; પણ તેમાં દૃઢતા જ કરવી. (ઉ.પૃ.૨૫૭) એમ આ કહ્યું છે તે માર્ગ ખોટો હોય તો તેના અમે જામીનદાર છીએ. પણ જે કોઈ સ્વચ્છંદે વર્તશે અને ‘આમ નહિ, આમ’ કરી સૃષ્ટિફેર કરશે તેના અમે જવાબદાર નથી. જવાબદારી લેવી સહેલી નથી. પણ એ માર્ગમાં ભૂલ નથી. જે કોઈ કૃપાળુદેવને માનશે તેને કંઈ નહીં તો દેવગતિ તો છે જ. (ઉ.પૃ.૬૫) ૧૫૪

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174