Book Title: Shrimad Rajchandra Sachitra Jivan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 157
________________ પરમકૃપાળુદેવની અંતર્ધાત્મદશા “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાંથી - ‘હું કોઈ ગચ્છમાં નથી; પણ આત્મામાં છું; એ ભૂલશો નહીં.” (પૃ.૧૭૦) આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. (પૃ.૨૪૯) પ્રવૃત્તિ છે તો તેને માટે કંઈ અસમતા નથી, પરંતુ નિવૃત્તિ હોય તો બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. (પૃ.૨૫૧) આભેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો. (પૃ.૨૨૪) એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી. (પૃ.૨૯૦) સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વઘતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે તેવાનો પ્રસંગ નથી. (પૃ.૩૧૦) ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે, આત્મા તો પ્રાયે મુક્તસ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે. (પૃ.૩૧૨). વિચારવાન પુરુષને કેવળ ક્લેશરૂપ ભાસે છે, એવો આ સંસાર તેને વિષે હવે ફરી આત્મભાવે કરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. ત્રણે કાળને વિષે હવે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાસ્યમાન થવા યોગ્ય નથી, અને ભાસે એવું ત્રણે કાળને વિષે સંભવતું નથી. (પૃ.૩૩૫) ઈશ્વરેચ્છા'થી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ. (પૃ.૩૪૬) સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંઘનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિઘ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. મુમુક્ષજીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. (પૃ.૪૯૯) જૈનમાર્ગ પોતે જ સમજવો તથા સમજાવવો કઠણ છે. સમજાવતાં આડાં કારણો આવીને ઘણાં ઊભાં રહે, તેવી સ્થિતિ છે. એટલે તેવી પ્રવૃત્તિ કરતાં ડર લાગે છે. તેની સાથે એમ પણ રહે છે કે જો આ કાર્ય આ કાળમાં અમારાથી કંઈ પણ બને તો બની શકે. નહીં તો હાલ તો મૂળમાર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી. ઘણું કરીને મૂળમાર્ગ બીજાના લક્ષમાં નથી, તેમ તે હેતુ દ્રષ્ટાંતે ઉપદેશવામાં પરમશ્રુત આદિ ગુણો જોઈએ છે, તેમ જ અંતરંગ કેટલાક ગુણો જોઈએ છે, તે અત્ર છે એવું દ્રઢ ભાસે છે. (પૃ.૫૧૮) મહાન પુરુષોએ કેવી દશા પામી માર્ગ પ્રકાશ્યો છે, શું શું કરીને માર્ગ પ્રકાશ્યો છે, એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે; અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઈશ્વરી ઇચ્છાનું લક્ષણ જણાય છે. (પૃ.૨૪૯) મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિઃશંક વાર્તા છે. અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી; સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી. (પૃ.૩૨૮- ૯) નિઃસંદેહસ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વીતરાગ છે. ૧૪૮

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174