________________ 18 शोभनस्तुति-वृत्तिमाला પોતાના વચનને આ હદે પ્રતિબદ્ધ રહેનારો આ બ્રાહ્મણ હતો. સૂરિવરને વીસ લાખ સુવર્ણમુદ્રાઓ લઈ લેવા તેણે આજીજી કરી. પાંચ મહાવ્રતધારી આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજીએ ત્યારે પોતાના મહાવ્રતોનો ખ્યાલ બ્રાહ્મણને આપ્યો. સાધ્વાચારથી વિપરીત ક્રિયા કરવાની પોતાની નાસંમતિ દર્શાવી અને આ રીતે વીસ લાખ સોનામહોરો પોતે કદી લઇ શકશે નહી તે પણ સ્પષ્ટ કર્યું. આચાર્યદેવની આવી પ્રતિજ્ઞાગર્ભિત વાણી સાંભળીને સર્વદેવ સ્તબ્ધ બની ગયો. ચિંતાથી વ્યાકુળ પણ. અડધું ધન સૂરિદેવને આપવાની પોતાની પૂર્વે લીધેલી પ્રતિજ્ઞા હવે પૂરી નહિ થાય એવા ભયથી તે ઘૂંજી ઉઠ્યો. એણે વિચાર્યું : વચન ભ્રષ્ટ બ્રાહ્મણનું વેદ અને શ્રુતિનું જ્ઞાન વૃથા થાય છે. એની ભાવિ ગતિ સુધરતી નથી. આવા શાસ્ત્રવચનો વેદમાં મે જાણ્યાં છે અને એની પર મને શ્રદ્ધા છે. ના, કોઈ પણ રીતે ગુરૂદેવને સંમત કરીશ. એમની અને મારી, ઉભયની પ્રતિજ્ઞાનો ધ્વંસ ન થાય એવો ઉપાય કરીશ. એક તરફ આ બ્રાહ્મણે 20 લાખ સુવર્ણમહોરો ગ્રહણ કરી લેવાની આજીજી ચાલુ રાખી. બીજી તરફ સૂરિદેવે એનો એકધારો ઇન્કાર કરવાનું કાર્ય જારી રાખ્યું. આ ગજગ્રાહમાં પૂરું એક વર્ષ વ્યતીત થઈ ગયું. શાબાશ છે આ બ્રાહ્મણ ! એણે એક વર્ષ પર્યત ચરૂ ઘરમાં દાખલ સુદ્ધાં ન કર્યો. સૂરિજી દ્વારા શિષ્યયાચના અને વિપ્ર દ્વારા થયેલો આશા સ્વીકારઃ અંતે એક દિવસ આ બ્રાહ્મણે ઉપાશ્રયમાં આવીને ગુરુભગવંતને જણાવ્યું હવે તમે જ્યાં સુધી અડધું ધન લેશો નહિ ત્યાં સુધી હું ઉપાશ્રયમાં જ બેઠો રહીશ. ગુરુદેવે કહ્યું : વિપ્ર, તું તારી પ્રતિજ્ઞાનું પૂરેપુરું સ્વરૂપ યાદ કર. તે જયારે અડધું ધન આપવાની વાત રજૂ કરી હતી ત્યારે તારી પાસે રહેલી કોઇ પણ વસ્તુમાંથી અડધો ભાગ લેવાની મે સંમતિ દર્શાવી હતી. તો, આપને જે રુચે તે મારી વસ્તુનો અર્ધ ભાગ સ્વીકારી લો ! | વિપ્ર ! તારે બે વિનીત પુત્રો છે એમાંથી એક પુત્ર અને શિષ્ય તરીકે અર્પણ કર !, જો પ્રતિજ્ઞા તારે પૂરી કરવી છે તો. સૂરિવરનો આ પ્રકારનો પ્રસ્તાવ સાંભળીને ક્ષણભર થોથવાઈ ગયેલાં સર્વદેવે છેવટે તે પ્રસ્તાવ સ્વીકારી લીધો. વંદન કરી ઘર તરફ વળ્યો. મનમાં ચિંતા અને ભાર હતો. પોતાની એક પુત્રને દીક્ષા અપાવી દેવાની આવી પ્રતિજ્ઞા પુત્રો પાસે શી રીતે સ્વીકારાવવી? તેની તેને વિમાસણ થઈ.