________________
રાજીમતીપ્રબોધ નાટક એક અવલોકન
-
શાહ નીલાંજના સુ.
યરાશ્ચંદ્ર કવિએ રચેલા ‘રાજીમતીપ્રખોધ’ નામના સંસ્કૃત નાટકને સંસ્કૃત સાહિત્યના અભ્યાસીઓ અત્યાર સુધી માત્ર નામથી જ જાણતા હતા. થોડા સમય પહેલાં જ્યારે આ નાટક જ પ્રકાશિત થયું છે ત્યારે એનો પરિચય આપવો જરૂરી થઈ પડે છે.
‘રાજીમતીપ્રબોધ’ – નાટકનું આ શીર્ષક સૂચવે છે તેમ જૈન ધર્મના બાવીસમા તીર્થંકર નેમિનાથ તરીકે પ્રસિદ્ધ થયેલા નેમિકુમાર દ્વારા તેમની વાગાત્તા રાજીમતીનું પ્રબોધન એ આ નાટકનો મુખ્ય વિષય છે.
આ નાટકમાં પાંચ અંકો છે. અને કુલ ૯૦ શ્લોકો છે જેમના નંબર સળંગ આપેલા છે. આ નાટકની પ્રસ્તાવનામાં કર્તાએ પોતે જણાવ્યા પ્રમાણે તેમણે બે મહાકાવ્યો અને ચાર નાટકો રચ્યાં હતાં. હાલ તેમનાં માત્ર બે નાટકો જ ઉપલબ્ધ થાય છે. વીસમી સદીના પ્રથમ દસકામાં છપાયેલું તેમનું ‘મુદ્રિતકુમુદચંદ્ર’ નાટક વાદિવસૂરિ અને વાદીકુમુદચંદ્ર વચ્ચે થયેલા ધાર્મિક વિવાદને લગતું રૂપક છે. તે નાટકની પ્રસ્તાવનામાં કવિએ પોતાના પિતા અને દાદા વિશે માહિતી આપી છે. તેમના આ રાજીમતીપ્રબોધ (‘રાષ્ટ્ર’) નાટકમાં તેમણે માત્ર પોતાની કવિપ્રતિભા વિશે જ વાત કરી છે. તે પરથી અનુમાન કરી શકાય કે તે મુદ્રિતકુમુદચંદ્ર (મુકુ.) પછી રચાયું હશે.
યશશ્ચંદ્ર કવિ ‘મુકુ.’માં કર્તા તરીકે પોતાનું નામ લખતાં ધર્મેટ વંશના અગ્રણી પદ્મચન્દ્રના પુત્ર તરીકે પોતાને ઓળખાવે છે, તેથી તેઓ ધર્મટ વંશના છે એ નક્કી થાય છે. ‘મુકુ.’ની પ્રસ્તાવનામાં ર્તાએ પોતાના દાઠા ધનદેવને સપાદલક્ષ પ્રદેશની સમૃદ્ધિના મુખ્ય સ્તંભ સમા, (તેની રાજધાની) શાકંભરીના રાજાઓ સાથે વર્ષોથી ઘનિષ્ઠ સંબંધ ધરાવતા અને રાજાની સભામાં અને તેમના સામંતોમાં અતિશય આદરપાત્ર બનેલા અગ્રણી શ્રેષ્ઠી તરીકે ઓળખાવ્યા છે.
પિતા પદ્મચન્દ્રને કવિ તરીકે બિરદાવતાં યશશ્ચંદ્ર જણાવે છે કે તેમણે રચેલી સૂક્તિઓને વિદ્વાનો તલ્લીન થઈને માણતા હતા. પછી યરાશ્ચંદ્ર પોતાને લગતી વાત કરતાં કહે છે કે વારસામાં મળેલી આ કવિત્વશક્તિને કારણે તે પોતે પણ એવી માધુર્યપૂર્ણ સૂક્તિઓ રચતા હતા કે તેમાં રમમાણ થયેલા લોકોને દુનિયાની મધુરતમ વસ્તુઓ પણ આકર્ષી શક્તી ન હતી.
‘મુકુ.’ નાટકની પ્રસ્તાવનામાં તેમણે પોતાને અનેક પ્રબંધોના ર્તા ગણાવ્યા છે.
कर्ताऽनेक प्रबन्धानामत्र प्रकरणे कविः ।
आनन्दकाव्यमुद्रासु यशश्चन्द्र इति श्रुतः ॥ (१-७)
તેમનાં મહાકાવ્યો જે હાલ ઉપલબ્ધ થતાં નથી તે ‘આનંદ’ શબ્દથી મુદ્રિત હશે એમ લાગે છે.