________________
ઉપાયભૂત સમ્યજ્ઞાનાદિને વિશે પોતાની શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરતા નથી. તાત્ત્વિક રીતે સુખની અસારતાદિના પરિજ્ઞાનથી જ વૈરાગ્ય થયો હોય તો શ્રદ્ધાતિશયને લઈને શક્તિ ઉપરાન્ત પણ મુક્તિના ઉપાયોમાં પ્રવૃત્તિ થતી હોય છે. તેથી જ્યાં શક્તિ અનુસાર પણ પ્રવૃત્તિ જણાતી ન હોય ત્યાં તાત્ત્વિક વૈરાગ્ય હોતો નથી. તેથી શક્તિ અનુસાર પ્રવૃત્તિના અભાવના કારણે આ વૈરાગ્ય દુઃખાન્વિત છે. સંસારનો અહીં ભય ન હોવાથી અને માત્ર દુઃખનો જ ભય હોવાથી તે આર્તધ્યાન સ્વરૂપ છે – એ સ્પષ્ટ છે. II૬-૨૧
પૂર્વ(૨૧મા)શ્લોકના ઉત્તરાર્ધથી શરૂ કરેલ પ્રથમ દુઃખગર્ભિત વૈરાગ્યનું જ સ્વરૂપ જણાવાય છે –
अनिच्छा ह्यत्र संसारे स्वेष्टालाभादनुत्कटा । नैर्गुण्यदृष्टिजं द्वेषं विना चित्ताङ्गखेदकृत् ॥६-२२॥
“પોતાના ઈષ્ટની પ્રાપ્તિ ન થવાથી દુઃખગર્ભિત વૈરાગ્ય વખતે સંસાર પ્રત્યે અનુત્કટ અનિચ્છા હોય છે. સંસારની નિર્ગુણતાના જ્ઞાનથી તેની પ્રત્યે ઉત્પન્ન થનાર દ્વેષ વિના એ અનિચ્છા મન અને શરીરને ખેદ કરનારી બને છે.”- આ પ્રમાણે બાવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે દુઃખાન્વિત વૈરાગ્ય હોતે છતે સંસાર અર્થાત્ વિષયસુખની પ્રત્યે ઈચ્છા રહેતી નથી. ઈચ્છાના અભાવ સ્વરૂપ આત્મપરિણતિને અહીં અનિચ્છા તરીકે વર્ણવી છે અને સંસારને વિષયસુખ સ્વરૂપે વર્ણવ્યો છે. સામાન્ય રીતે પણ વિચારવાથી સમજી શકાશે કે વિષયજન્ય સુખોનું અસ્તિત્વ જ આ સંસારમાં હોત નહિ તો આ સંસારની ઈચ્છા જ થાત નહિ. સંસારની ઈચ્છા વિષયસુખની ઇચ્છાને લઈને છે. વિષયસુખની ઉચ્છા ન હોય તો સંસારની ઈચ્છા ન હોય, તેમાં અનિચ્છા હોય એ સ્પષ્ટ છે. આ રીતે