________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થઈ શકે છે. આ થઈ કલાવારસાની રખેવાળી સરકારી રાહે.
સરકારી રાહે ધાકધમકીથી, કાયદાની બીકથી કલાવારસાનું રક્ષણ કરવાનું થયું પણ આપણે પ્રજાજનો આપણો સમૃદ્ધ વારસો કેવી રીતે સાચવીશું તે પણ વિચારવું જરૂરી બને છે. લોકમત કેળવવો જોઈએ. મ્યુનિસિપાલિટી કે પંચાયતોએ કલાવારસાની સાચવણીનું કાર્ય હાથ પર લેવું જોઈએ તેમજ લોકોને ઊંડી સમજ આપવી જોઈએ. તેનો અભ્યાસમાં ઉપયોગ કરાવવો જોઈએ. કલાની જાળવણીથી આપણો વારસો, ભવ્ય ભૂતકાળની સમજણ આપતી ફિલ્મો બતાવવી જોઈએ. તે માટેની જિજ્ઞાસા તીવ્ર થાય એમ કરવું જોઈએ. ગુજરાતની સૌપ્રથમ રાજધાની ભિન્નમાલમાં એલિફન્ટાની ગુફાઓનાં શિલ્પો જેવાં શિલ્પો, સાતમા સૈકાનાં શિલ્પો ઝાડીઓની વચ્ચે તળાવને કિનારે ખૂબ પડેલાં છે. તળાવને કિનારે પડેલા પથ્થરનાં શિલ્પોનો ઉપયોગ સામાન્ય રીતે લૂગડાં ધોવાના કામમાં કરવામાં આવતો હોય છે. આવી અણસમજણથી સારાં શિલ્પો ધોવાઈ જાય છે, તૂટી જાય છે. નાનાં નાનાં ગામડાંમાં શાળાઓ હોય તેના શિક્ષકોએ, પંચાયતો હોય તો તેના સરપંચો વગેરેએ આવી શિલ્પસમૃદ્ધિને એકત્ર કરીને શાળાના આંગણામાં મુકાવવી જોઈએ. શાળાના આંગણામાં કે ગામના ચોરામાં કે પંચાયતની ઑફિસમાં શિલ્પો રાખવામાં આવે તો તેમાં ખરચ થતું નથી. વસ્તુઓ સચવાય છે અને વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસમાં ઉપયોગી બને છે. આવી રીતે કલાશિલ્પોની જાળવણી કરવામાં આવી હોય તો તેનું સુંદર સંગ્રહસ્થાન બનાવી શકાય છે. આપણા ગુજરાત રાજ્યમાં હાલમાં એક સંગ્રહસ્થાન અમદાવાદ શહેરમાં સંસ્કાર કેન્દ્રમાં થયું છે. પણ તે ઉપરછલ્લું છે.
શિલ્પોની વાત થઈ તે પ્રમાણે પ્રાચીન ચિત્રો, હસ્તપ્રતો, દસ્તાવેજો, ધાતુપ્રતિમા, ધાતુની પ્રાચીન ઇતરચીજો, પકવેલી માટીનાં રમકડાં, પ્રાચીન ઈંટો, માટીનાં ચિત્રિત તથા રંગીન વાસણો, પ્રાચીન સમયનાં કાપડ કે વસ્રો વગેરે ભારતના ઇતિહાસના પુનર્રચનાનાં સાધનો તરીકે ઉપયોગી ગણાય છે. તેની જાળવણી યયાયોગ્ય કરવી જોઈએ અને તેને યથાસ્થાને ગોઠવવી જોઈએ. આવી ચીજો અભ્યાસને માટે સુલભ બનાવવી જોઈએ. તેના ફોટા વગેરે પડાવવા જોઈએ. જેથી ચીજો નાશ પામે તો પણ વસ્તુના ફોટા કે પ્રતિકૃતિ આપણી પાસે સચવાયેલી રહે છે અને અભ્યાસમાં અને ઇતિહાસની પુનર્રચના કે આપણા સાંસ્કૃતિક વારસાને સમજવામાં તે ઉપયોગી થાય છે. ઉપરાંત એના અનેક નમૂનાઓ પ્રતિકૃતિથી તૈયાર કરવામાં આવે કે જેનો અભ્યાસ દૂરદૂરના દેશોમાં પણ કરવાનો સુલભ થઈ શકે છે.
એ રીતે જો ટૂંકમાં ગણાવીએ તો સો વર્ષ પહેલાંના અક્ષરોવાળા કોઈ શૂરવીરના એક સામાન્ય પાળિયાથી આરંભી પાંચ હજાર વર્ષ પહેલાંની સિંધુ સંસ્કૃતિને પ્રકાશમાં લાવનાર મોહેં-જો-ડેરાના ખોદકામમાંથી મળેલી નાનીમોટી અનેક ચીજો, શિલાલેખો, તામ્રપત્રો, સિક્કાઓ, જૂનાં મકાનો, જૂની મૂર્તિઓ, જૂના ગ્રંથો વગેરે અનેકાનેક જૂની ઐતિહાસિક મૂલ્યવાળી વસ્તુઓ સંગ્રહવી જોઈએ. તેની ફિલ્મ તૈયાર કરાવવી જોઈએ, ફોટા કે પ્રતિકૃતિઓ પણ રાખવી જોઈએ. તેની માર્ગદર્શિકા લખાવવી જોઈએ અને તેમાં સ્પષ્ટ સમજાવવું જોઈએ કે આ બધી ચીજોમાંથી તૈયાર થતી ઐતિહાસિક માહિતી દાદીમાની વાતો કે પરીઓની કથા કરતાં કાંઈક જુદી છે. જેની જાળવણી આપણી સંસ્કૃતિ સમજાવવા માટેનું ઉત્તમ સાધન છે. આને માટે આપણા સમૃદ્ધ કલાવારસાની જાળવણી-રખેવાળી કરવી જોઈએ. પ્રાચીન કલાકારીગરી, મૂર્તિઓ, ઐતિહાસિક ઇમારતો વગેરે આપણી રાષ્ટ્રિય સંપત્તિ છે. તેની જાળવણી એ આપણા દેશ પ્રત્યેની સૌપ્રથમ ફરજ છે.
છતાં એક નવો વિચાર : ઘણી ઇમારતો છે જેનું મૂલ્ય ઐતિહાસિક છે, કલાકારીગીરીના સુંદર નમૂનાઓ છે. અમદાવાદમાં ઘણી હવેલીઓ-પોળોમાં છે તેમાં કાષ્ઠકલાના કારીગરોએ અદ્ભૂત તકતીઓ તૈયાર કરેલી છે. હવે તો આ આવી હવેલીઓમાંથી કાષ્ઠકાળની તકતીઓ વેચાવા માંડી છે તો કોઈ સંસ્થા કે શ્રીમંતવર્ગ આવી ઇમારતો-હવેલીઓને દત્તક લઈને તેની જાળવણીની ખેવના કરે તો તે ધન્યવાદને પાત્ર ગણાય. સાથે સાથે એટલું યાદ રાખવું જરૂરી છે કે શિલ્પસ્થાપત્ય એ માણસની સંસ્કૃતિનું પ્રતિબિંબ છે.
કલાવારસાની રખેવાળી ૩ ૬૯
For Private and Personal Use Only