________________
अर्वाचीन गुजराती कृति
१३७
૧) સામાન્ય-સઘળા દ્રવ્ય અવિરોધ સ્વભાવવાળા છે તે સામાન્ય સંગ્રહ. દષ્ટાંત-જેમ એક દ્રવ્યના સદ્ભાવમાં છએ દ્રવ્યની પ્રાપ્તિ થાય છે
૨) વિશેષ-જ્યારે એમ કહેવાય કે-સર્વ જીવો અવિરોધી છે તથા સંસારી અને સિદ્ધના જીવો અનંત ચૈતન્ય લક્ષણયુક્ત હોય તે જીવ કહેવાય. એ જીવના પાંચસો ત્રેસઠ ભેદ થાય છે, છતાં સઘળા જીવો
અવિરોધી છે, અર્થાત્ જીવને ધારણ કરવામાં કોઈ પણ જીવને વિરોધ નથી આવતો. આ પ્રમાણે છે દ્રવ્યમાંથી એક જીવદ્રવ્ય વિશેષનું ગ્રહણ કરવાથી બીજો ભેદ સિદ્ધ થાય છે.
સામાન્ય માત્રને ગ્રહણ કરવાવાળું જ્ઞાન તે સંગ્રહ કહેવાય છે એટલે જેમાં સંપૂર્ણ વિશેષનું રહિતપણું હોય તે સામાન્ય કહેવાય. એટલે પોતપોતાની જાતને ઇષ્ટ છે તે દ્વારા સંપૂર્ણ વિશેષોનું જે એક જ રૂપથી ગ્રહણ કરાય તે સંગ્રહ, તેના બે ભેદ છે. ૧) પરસંગ્રહ ૨) અપરસંગ્રહ તેમાં જે સંપૂર્ણ વિશેષોથી ઉદાસીન રહીને માત્ર સત્તાને જ શુદ્ધ દ્રવ્ય માને, તે પરસંગ્રહ કહેવાય છે. જેમકે સંસાર સત્પણાને લીધે એક છે. સત્પણામાં વિશેષ નહિ હોવાથી. અથવા સત્તારૂપ જ્ઞાન તો સઘળા પદાર્થમાં છે જ એમ માનવાથી, જ્ઞાન સઘળા પદાર્થોમાં છે તેથી સર્વત્ર સત્તારૂપ એકત્વ છે અને સત્તારૂપ એકત્વથી સઘળા પદાર્થોનો સંગ્રહ થાય છે. તાત્પર્ય એવું છે કે-પરસંગ્રહમાં એક સત્ રૂપપણાને ગ્રહણ કરવાથી જગતના સંપૂર્ણ વિશ્વ સત્ સ્વરૂપથી એક કહેવાય છે.
(૩) વ્યવહાર નય-બાહ્ય ગુણગ્રાહી છે. જેમ જીવ અમર છતાં કોઈ કહે કે-અમુક જીવને મારવાથી હિંસા થાય છે, ઇત્યાદિ અહિંસા આચાર ક્રિયા મુખ્ય છે. સંગ્રહ નયના ભેદક વિષયને દર્શાવનાર વ્યવહાર નય કહેવાય છે. તેના બે ભેદ-૧) સામાન્ય સંગ્રહ નયનો ભેદક વ્યવહાર નય અને ૨) વિશેષ સંગ્રહનો ભેદક વ્યવહાર નય.
૧) સામાન્ય-કોઈ કહેશે કે-જીવ અને અજીવ બને પરસ્પર વિરૂદ્ધ ધર્મવાળાં છે, છતાં બંનેની દ્રવ્યસંજ્ઞા કેમ થઇ શકે? તેના જવાબમાં સમજવાનું કે દ્રવ્યનો અર્થ એવો છે કે જે અનેક પર્યાયમાં પ્રાપ્ત થઈ જાય તે દ્રવ્ય અને તે પ્રમાણે જીવ અને અજીવ બંને સાધારણ દ્રવ્ય પદથી ગ્રહણ કરાય છે. જેમકે-જીવના દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી વિગેરે પર્યાયો છે, તેમ અજીવના સુવર્ણ મૃત્તિકાદિ દ્રવ્ય. પણ ઘટ, કુંડળ, શરાવ આદિ પર્યાયમાં પ્રાપ્ત થાય છે. જીવ અને અજીવ બંનેના પર્યાયોમાં દ્રવ્ય અનુગત છે, માટે દ્રવ્ય એવું પદ જીવ-અજીવ બંનેને માટે સામાન્ય સંગ્રહ છે. માટે પ્રથમ ભેદ સામાન્ય સંગ્રહ ભેદક વ્યવહાર નય સમજવો.
૨) વિશેષ-આનું તાત્પર્ય એવું છે કે-જીવદ્રવ્યના સંસારી અને સિદ્ધ એવા બે ભેદ પાડતાં સામાન્યમાં વિશેષ વ્યવહાર નય થાય છે. આમાં પણ સંસારી જીવને સામાન્ય માની તેના દેવ મનુષ્ય, તિર્યંચ વિગેરે વિશેષ ભેદ થઈ શકે. દેવને સામાન્ય ગણી વૈમાનિક વિગેરે ચારને વિશેષ વ્યવહાર કહેવાય. એવી રીતે ઉત્તરોત્તર વિવક્ષાને અનુસારે સામાન્ય વિશેષની ભાવના કરવી જોઈએ. આ વ્યવહાર નયનું પ્રયોજન એવું છે કે સામાન્ય સંગ્રહથી વ્યવહાર ચાલી શકતો નથી, માટે "દ્રવ્ય લાવ" એમ કહેવાથી એવી આકાંક્ષા જરૂર થાય કે-કયું દ્રવ્ય? જીવ કે અજીવ? જીવમાં પણ સંસારી કે સિદ્ધ? સંસારીમાં મનુષ્ય, દેવ વિગેરે એમ ઉત્તરોત્તર પર્યાયો થઈ શકે. આ જ રીતે સર્વત્ર સામાન્યવિશેષભાવની વ્યવસ્થા સમજી લેવી.