________________
१६२
नयामृतम्-२
પદાર્થના વર્તમાન પર્યાયનું જ માત્ર જે નય વડે ગ્રહણ થાય તે ઋજુસૂત્રનય કહેવાય છે. જેમ કે દેવને દેવ તરીકે નારકના જીવને નારકી તરીકે, તિર્યંચના જીવને તિર્યંચ તરીકે માનવો જે તેનો વર્તમાન પર્યાય છે તેની મુખ્યતા કરવી તેને ઋજુસૂત્રનય કહે છે.
જે વાક્યમાં વ્યાકરણાદિનો દોષ હોય તેને દૂર કરી તથા શબ્દની જે અશુદ્ધિ હોય તેને દૂર કરી અને તે દોષો દૂર થવાથી જે ભાષા શુદ્ધ થઈ છે તે ભાષા વડે જે કથન કરવું તેને શબ્દનય કહેવાય છે.
પદાર્થની મુખ્યતા વડે એક જ અર્થમાં બીજા અર્થને સમાવવો તેને સમભિરૂઢ કહેવાય છે. જેમ કે છતીતિ : આ વાક્ય વડે એમ કહેવાય કે જે ગમન કરે તે ગાય કહેવાય છે પણ તે ગાય સૂતી હોય, બેઠી હોય અથવા ઊભી હોય ત્યારે પણ ગાય કહેવી તે સમભિરૂઢનયનો વિષય છે. એટલે કે ત્યારે પણ ગાય તરીકે માન્ય રાખવી તે સમભિરૂઢનય કહેવાય છે. - વર્તમાનક્રિયા જેની જેવા પ્રકારની હોય તેવી જ બતાવવી તે એવંભૂતનય કહેવાય છે. જેમકે ચાલતી હોય તો જ ગાય કહેવી તે સિવાયની અવસ્થામાં ગાય ન કહેવી. એટલે કે એક જ અર્થને માન્ય રાખવો, બીજાનો નિષેધ કરવો તેને એવંભૂતનય કહેવાય છે. આ ચાર ભેદ પર્યાયાર્થિકનયના છે.
દ્રવ્યાર્થિકના ત્રણ અને પર્યાયાર્થિકના ચાર આ પ્રમાણે આ સાત નવો વડે વસ્તુ માત્રની સિદ્ધિ થાય છે. અને આ સાત નય વડે જે વસ્તુ સિદ્ધ થઈ હોય તે જ યથાર્થ સત્ય વસ્તુ કહેવાય છે. તે સિવાય સાત નયોથી પરસ્પર વિરુદ્ધતા ભાસતી વસ્તુ યથાર્થ સત્ય નથી અને તે કાર્યસાધક પણ નથી.
આત્મા પર કર્મનું આવરણ હોવા છતાં પણ આત્મા આત્મા તરીકે વસ્તુતઃ કાયમ રહે છે. તે કદી અનાત્મા કે જડ નથી બની જતો; આ દ્રવ્યાર્થિક નય વડે સિદ્ધ થાય છે. પર્યાયરૂપે તે નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવતાદિરૂપે અવતરે છે. તે પર્યાયાર્થિકનય વડે આત્મા સિદ્ધ થાય છે.
દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આ બંને નયો નિશ્ચય અને વ્યવહાર તરીકે પણ ઓળખાય છે. પદાર્થનું એક જ પાસારૂપ એક જ સ્વરૂપ બતાવવું હોય તો સાપેક્ષપણે એક જ નયની જરૂર પડે છે. અને જો પદાર્થના દરેકે દરેક પાસા બતાવવા હોય તો સાતે સાત નયની જરૂર પડે છે. તે સિવાય તે પદાર્થની જાણકારી અધૂરી રહે છે. પૂર્વકાલમાં સપ્તશતાર ચક્રાધ્યયન નામનું (વિષય) અધ્યયન હતું તેની અંદર એક એક નયના સો સો ભેદ દર્શાવ્યા હતા. હાલ તે લુપ્ત છે. હાલ તો દ્વાદશાનિયચક્ર નામનો ગ્રંથ છે તેમાં દરેક નયના બાર બાર ભેદો દર્શાવી તેના ચોરાશી ભેદો પણ દર્શાવ્યા છે. આ બંને નેત્રરૂપ છે. તે બંને દ્વારા જ પદાર્થનું નિરીક્ષણ કરવું તેનું નામ જ સ્યાદ્વાદ છે. વસ્તુના અનેક પાસા જોવા-સમજવા તેનું નામ જ અનેકાંતવાદ (સ્યાદ્વાદ) છે. પરંતુ એકાંગીપણું સ્વીકારવું તે એકાંતવાદ કહેવાય છે. દરેક વસ્તુને બરોબર સાપેક્ષપણે વિચારી પછી જ સત્યાસત્યનો વિચાર કરવો ત્યાર પછી જ પૂર્ણ સત્ય હાથમાં આવશે. અન્યથા તો હાથ કોરો ને કોરો જ રહેશે. જે વસ્તુને લીધે વાદ ચાલુ થયો હોય અને તેનો જો અંત લાવવો હોય તો અનેકાંતવાદરૂપ સાપેક્ષવાદ સ્વીકારવો જ પડે છે તો જ તેનો અંત આવે છે. અન્યથા તો વાદમાંથી વિતંડાવાદ આવીને ઊભો રહે છે. દરેકની સત્યતા સ્વીકારવી તે જ સાદ્વાદ છે અને તે જ જૈન દર્શનનો સાર છે.
જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડું આપું છું.