________________
૧૨૦.મનના મિનારેથી મુક્તિના કિનારે
(પ.પૂ.મુનીરાજશ્રી જયસુંદર વિ.મ.સા. લિખિત પ્રસ્તાવનામાંથી)
મહાઋષિ આર્દ્રકુમાર એટલે જૈન શાસનના બગીચાનું એક મઘમઘતું પુષ્પ, આત્મોત્થાનનું અપ્રતિમ સૂરીલું સંગીત, પતન પછીના ઉત્થાનનો ભવ્ય ઈતિહાસ.
કોઈપણ જાતનો તર્ક- વિતર્ક કર્યા વિના બુદ્ધિધન શ્રી અભયકુમારે, લાભનું કારણ જાણીને અનાર્ય રાજપુત્ર આર્દ્રકુમારને સુંદર શ્રી જિનમૂર્તિની ભેટ પાઠવી. જિનમૂર્તિ એક એવી ભવ્ય ચિનગારી છે કે જે યોગ્ય ભૂમિકામાં આવેલા આત્માઓની અંતરગુફામાં પ્રકાશનો ઝળહળતો દીપ પેટાવી જાય. કેટલાય ભવ્યાત્માઓ એના દર્શનથી સમ્યક્ત્વ, દેશ-વિરતિ, સર્વ વિરતિ કે માર્ગાનુસારિતાને પામી ગયા છે. શ્રી શત્રુંજય માહાત્મ્ય શાસ્ત્રમાં તો ત્યાં સુધીનું દ્રષ્ટાન્ત આવે છે કે દેરાસરમાં ચોરી કરવા ગયેલો એક ચોર ચોરીના નિમિત્તે (ચોરીથી પરભવમાં અનર્થ તો ઘણો ભોગવ્યો પણ તે બહાને) એને થયેલા જિનમૂર્તિના દર્શનના પ્રભાવે બહુકાળ પછી એ લાભને ખાટી ગયો. એમ આગળ પર જ્ઞાનીએ ખુલાસો કર્યો છે. વાહ ! કેવું અનંત ક્લ્યાણરૂપ આ જૈન શાસન ! યોગ્ય ભૂમિકામાં રહેલો જીવ, ચોરી જેવા અત્યંત નિંઘ આશયથી દેરાસરમાં પ્રવેશે, અને જિનમૂર્તિને દેખે પરંતુ એ જિન-દર્શનના પ્રભાવે ભવાન્તરમાં લાભ ખાટી જાય ! ધન્ય છે આ જિન મૂર્તિને ! (ગમે તે બહાને શ્રી જિનમૂર્તિના દર્શન કરનારાને મહાલાભ થવાની સંભાવના છેઆવી સીધી વાત પકડવાને બદલે "જિનમંદિરમાં ચોરી કરવા માટે જવાય" એવો ઊંધો અર્થ અહીં કોઈએ પકડી લેવાની જરૂર નથી..... તેમજ અહીં એ પણ સમજવાનું છે કે "મલિન આશયથી કરેલા શ્રી જિનમૂર્તિના દર્શન આદિ ધર્મ ક્રિયાઓ મહાભુંડી- રીબાવી રીબાવીને મારે.." ઈત્યાદિ વિચારોવિધાનો પણ કેટલાય જૈન શાસ્ત્રોને ઓળવનારા છે, અને ભોળા જીવોને ધર્મસાધનાથી વંચિત રાખનારા છે.)
એ શ્રી જિનમૂર્તિએ આર્દ્રકુમારમાં આત્મિક ઉત્થાનના પ્રાણ ફૂંક્યા. મોહનિદ્રાનું ઘેન ઉડાડી દીધું. સંયમના પંથે પ્રયાણના શ્રીગણેશ મંડાઈ ગયા.
(૧૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org