________________
જો ઇહલૌકિક પ્રાર્થનાગર્ભિત વિષયશુદ્ધ અનુષ્ઠાનો વિષ અને ગરલ બની જતા હોત, તો તે અનુષ્ઠાનોને શ્રી હરિભદ્રસૂરિ મહારાજ જેવા “એકાન્ત યુક્ત છે.” એમ કહેત ખરા? શું અહીં પોતે પોતાના જ યોગબિંદુ ગ્રન્થમાં કરેલી વિષગરલ અનુષ્ઠાનની વાતો ભૂલી ગયા હોવાનું કોઇ કહી શકશે ખરું? જે મહાનુભાવો માત્ર હરિભદ્રસૂરિ કૃત યોગબિંદુ કે શ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના કોક ફાવતા ગ્રન્થોમાંથી વિષ-ગરલ અનુષ્ઠાનની વાતોને એકાન્ત પકડી બેઠા છે, તેઓએ આ પંચાશક શાસ્ત્રની વાતો સભા આગળ આજ સુધી કેમ કરી નથી? હવે કહો કે “ધર્મ ભૂંડો નહીં, પણ એકાન્તવાદ ભંડો, એકાન્તવાદની વાસના ભૂંડી, અનેકાન્તવાદ રુડો, અનેકાન્તવાદ ગર્ભિત પ્રરૂપણા રુડી.”
આ સમગ્ર ચર્ચાનો એ જ સાર છે, કે પોતાનું અને બીજાનું કલ્યાણ ઈચ્છનારા ભાગ્યવાનોએ કોઈ પણ શાસ્ત્રની વાત એકાન્ત પકડાઈ ન જાય તે માટે, બીજા શાસ્ત્રોમાં તે તે વિષયો અંગે શું શું ભાખ્યું છે તેની ખોજ કરવા પુરુષાર્થ આદરવો જોઈએ. શ્રી જિનેશ્વરદેવની સર્વ આજ્ઞાઓનો સાર બતાવતાં ઉપદેશ રહસ્યમાં પૂજય ઉપાધ્યાયજી મહારાજ એક જ વાત કરે છે કે – “જેમ જેમ રાગ-દ્વેષની પરિણતિ ઘટતી આવે તેમ તેમ પ્રવર્તવું, - આ જ જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા છે.” આ સર્વ આજ્ઞાઓની સારભૂત આજ્ઞા સતત લક્ષમાં રાખીને જો આપણે ઉપદેશની ધારા વહેતી કરીએ તો પછી એના ઉપર ભલે બીજાઓ ગમે તેટલા અસભ્ય શબ્દોમાં પ્રહારો કરતા રહે, તો ય આપણું એનાથી કાંઈ બગડી જવાનું નથી. બને ત્યાં સુધી નિષ્ફળ ચર્ચાથી દૂર રહેવું. કોઈ વાર ન છૂટકે દુખાતા હૈયે ચર્ચા કરવી પડે, તો એ ચર્ચા કરતાં પણ આપણા હૈયામાં કદાગ્રહ કે અભિનિવેશ અથવા બીજા પ્રત્યે દ્વેષ-તિરસ્કારનો ભાવ ન આવી જાય, તેનો જ ખાસ ખ્યાલ રાખવાનો. ઉપરના સમગ્ર પ્રતિપાદનમાં પણ આ જ ભાવની અનુવૃત્તિ જાણવી, અને બીજાઓ જે કાંઈ કહેતા હોય; તે જો શાસ્ત્રોને બરાબર અનુસરતું હોય, અથવા શાસ્ત્રથી જરાય વિરુદ્ધ ન હોય, તો તે નયસાપેક્ષભાવે સ્વીકારવામાં સંકોચ જરાય રાખવો નહિ. એ રીતે આપણે સૌ અરિહંતના અચિંત્ય પ્રભાવે સ્વપરના કલ્યાણ માર્ગે આગળ વધીએ એવી પરમાત્માને પ્રાર્થના. શ્રી જિનાજ્ઞાથી વિપરીત કાંઇપણ કહેવાયું હોય તો.... મિચ્છામિ દુક્કડમ્.....
(૧૭૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org