________________
મોટી સંશોધન-પ્રેરકતા ધરાવતા માતબર સૂચિગ્રંથો
એટલે વિદ્યાના રસ્તે વળનાર થોડાક જણને પણ આગળનો રસ્તો સુઝાડે એવાં કામોનું મૂલ્ય નોંધપાત્ર ને ઉપકારક બનવાનું.
એટલે આ ગ્રંથ ક્યાં ક્યાં ઉપયોગી ને પ્રેરક બને એ વિચારવાનું રહે.
આ કાર્યની એક પ્રેરકતા તો, હરિવલ્લભ ભાયાણીએ બતાવી છે તે એ છે કે મોહનલાલ દેશાઈ ઉપરાંત ચીમનલાલ દલાલ, મુનિ પુણ્યવિજયજી, જિનવિજયજી, મંજુલાલ મજમુદાર વગેરેએ જે મોટાં કામ કર્યું છે એની આવી શુદ્ધિ-વૃદ્ધિ ઊભી જ છે - એ માટે પણ આ ગ્રંથનું કાર્ય પ્રેરક બની શકે.
આ કોશપ્રકારનો સંદર્ભગ્રંથ છે - એ કંઈ સળંગ વાંચવા માટેનો નથી, જે અભ્યાસીને જ્યારે જે વિગતોની જરૂર પડે એ ત્યારે જોઈ લેવા - રિફર કરવા - માટેનો છે એટલે એની વિશેષતાઓનો અને, રહી ગઈ હોય તો તે, ત્રુટિઓનો ત્યારે વધુ ખ્યાલ આવે. પણ એ બાબત તો સ્પષ્ટ જ છે કે જે ચોકસાઈ-શ્રમ-સૂઝ-શાસ્ત્રીયતા અહીં વિનિયોગ પામેલાં દેખાય છે એ કોઈપણ અભ્યાસીને ક્યાંય ગૂંચવ્યા વિના, પથદર્શક બની શકશે. આ ગંજાવર કામમાંથી, મધ્યકાલીન સાહિત્ય-સંસ્કૃતિના કાયમી સંશોધક-અભ્યાસીઓને વધારે વખત પસાર થવાનું રહેવાનું.
પરંતુ મને એની એક બીજી ઉપયોગિતા-પ્રેરકતા પણ જણાય છે. આપણી વિદ્યાસંસ્થાઓમાં જે સંશોધનકાર્યો ચાલે છે એમાં વિદ્યાર્થીપક્ષે પદવી-પ્રાપ્તિની એમ માર્ગદર્શક-પરીક્ષક પક્ષે પદવી-દાનની પ્રવૃત્તિ જરૂર કરતાં ઘણી વધારે ઝડપથી બલકે ઉતાવળથી ચાલી રહી છે. વ્યવસ્થિત આયોજન માટે, વસ્તુ-વિગતની ચોકસાઈ કરવા માટે, શાસ્ત્રીય પદ્ધતિ નિપજાવવા માટે કોઈ જ રોકાતું નથી - એમને એનો ઝાઝો ખ્યાલ પણ નથી. એમની સામે જ નહીં, નિષ્ઠા અને જિજ્ઞાસાથી કામ કરવા માગનાર સામે પણ બહુ નમૂના (મોડેલ્સ) નથી. ઘણાખરા માર્ગદર્શકોની પણ આ જ સ્થિતિ છે. એ બધાની સામે, બીજાં થોડાંક કામોની સાથેસાથે, જૈન ગૂર્જર કવિઓ'ના આ દસ ભાગ પણ મૂકી આપવા જેવા છે. પીએચ.ડી.-દીક્ષા-ઉત્સુકો એનાં માત્ર પાનાં ફેરવશે, એની પ્રસ્તાવનાઓ ધ્યાનથી જોશે, ને ખાસ તો વિવિધ-પરિમાણી સૂચિગ્રંથ (ગ્રંથ ૭) ઝીણવટથી જોશે તો પણ સંશોધનની દિશામાં પગ મૂકવો તે કેટલાં સાવધાની-ચોકસાઈ-મહેનત તેમજ પદ્ધતિની સૂઝ માગી લે છે એનો તેને ખ્યાલ આવશે. એની અંધાધૂંધ ગતિ અટકશે ને ઘેર્યભરી એકાગ્રતાની પણ એક રોમાંચકતા હોય છે એનો અંદાજ આવી શકશે. પછી ભલેને એ નવ-સંશોધક મધ્યકાલીન સિવાયના કોઈ વિષય પર કામ આદરવાનો હોય. આ કામ એને પ્રેરક બની શકશે.
કેમકે જયંતભાઈની સંશોધક તરીકેની સૌથી મોટી વિશેષતા પોતાનું જ એક આગવું ને નક્કર ઉપયોગિતાવાળું પદ્ધતિશાસ્ત્ર નિપજાવવામાં રહેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org