________________
વિચરે તો વિચાર
કોણ વાંચી શકે ?
પ્રશ્નકર્તા : એ જેને કોડવર્ડનો ખ્યાલ હોય તે જ વાંચી શકે ? દાદાશ્રી : હા, એવી રીતે મનમાં જે ફૂટે છે, એ કોડવર્ડ જેવાં ફૂટે છે. તે બુદ્ધિ એ બધું વાંચી શકે છે. હવે બુદ્ધિ વાંચી શકે ખરી પણ પછી જો તેની મહીં અંતઃકરણમાંથી અહંકાર એ પરમાણુમાં વિચરે ત્યારે વિચાર કહેવાય. નહીં તો વિચાર કહેવાય નહીં. અને આ જ્ઞાન લીધા પછી તમે પરમાણુમાં વિચરતાં નથી, તો એ વિચાર ના કહેવાય. તમે જ્ઞાતા-દ્રષ્ટા થયા તો તમારી નિર્વિચાર ભૂમિકા છે. એ વાંચે છે એટલે આ સારું છે. આ મારા હિતમાં વાત કરે છે એવું લાગે એટલે અહંકાર મહીં તન્મયાકાર થઈ જાય છે, તે વખતે વિચરે છે. જે સ્પંદન છે તેમાં વિચરે છે. વિચરે તો વિચાર કહેવાય. નહીં તો હિતનું ના લાગે તો વિચરતો નથી. તો વિચાર હોતો નથી. નહીં તો અમને નિર્વિચાર કોઈ કહી શકે જ નહીં ને ? ‘અમે’ વિચરીએ તો વિચાર આવે ને ? અમે વિચરીએ નહીં એટલે એ વિચાર કહેવાય નહીં અને ના વિચરે તો ઊડી જાય.
૧૩૩
વિચાર વાંચે, બુદ્ધિ તે અહંકાર !
પ્રશ્નકર્તા : માણસ તન્મયાકાર થાય ત્યારે વિચાર કહેવાય અને તન્મયાકાર થયા સિવાય વિચાર ના આવે. વિચરે એટલે તન્મયાકાર જ ને ?
દાદાશ્રી : હા, વિ...ચરે તો વિચાર કહેવાય.
પ્રશ્નકર્તા : વિચાર તો આવે, પણ વિચાર શું આવે છે ? એને જુઓ ને જાણો, એવું થયું ને ?
દાદાશ્રી : મન ફૂટે ને, એ સારો વિચાર આવ્યો કે ખરાબ વિચાર આવ્યો, તેના જ્ઞાતા-દ્રષ્ટા રહે. એટલે પોતાને એનું કશું લાગતુંવળગતું નથી. વિચાર એ ગયા અવતારનું ડિસ્ચાર્જ છે. અને કેટલુંક એમને એમ ફૂટે છે, તે આપણે વિચરતા નથી એટલે વિચાર થાય
૧૩૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
નહીં. એવી રીતે આ ચાલ્યા કરે છે.
પરમાણુ ફૂટે એને વિચાર ના કહેવાય. એને અધ્યવસાન કહે છે. એટલે એ અહંકાર કહે છે કે કેવા અધ્યવસાન છે એ વાંચીને
કહે ? ત્યારે બુદ્ધિ કહે છે, સારા અધ્યવસાન છે અગર તો ખરાબ હોય. એટલે સારા અધ્યવસાન હોય, તો બુદ્ધિ વિચરે એની જોડે અહંકાર પણ વિચરે. અહંકાર-બુદ્ધિ જોડે જોઇન્ટ જ હોય એટલે પોતાનું સ્થાન છોડવું એનું નામ વિચરે એટલે વિચર્યા કહેવાય. તે વિચરીને ત્યાં તન્મયાકાર થાય એનું નામ વિચાર. અધ્યવસાન હતાં તે વિચારરૂપે થયાં.
પ્રશ્નકર્તા : એટલે અધ્યવસાનનું કોઈ બંધન હોતું નથી ?
દાદાશ્રી : કોઈ બંધન નથી.
પ્રશ્નકર્તા : વિચાર જો થાય તો જ બંધન થાય ?
દાદાશ્રી : અત્યારે તો તમને વિચારોથી બંધન નથી. કારણ કે તમારી નિકાલી બાબત છે. સંકલ્પ-વિકલ્પથી બંધન થાય. વિચરો તો
બંધન થાય. સંકલ્પ-વિકલ્પ એટલે શું ? બે ભાગ છે. આ હું અને આ મારું. એ સંકલ્પ-વિકલ્પ થાય. એ સંસારમાં બેસાડી આપે. આપણને સંકલ્પ-વિકલ્પ હોય નહીં. કારણ કે વિકલ્પ એટલે ‘હું ચંદુભાઈ છું’ એ હવે તમારું ગયું અને આ ‘મારું’ એય ગયું. એટલે આ સાયન્ટીફિક વસ્તુઓ આપી મેં. આખું જગત મનને બાંધવા જાય છે અને તે પોતે જ બંધાઈ ગયો ને ! મન એ બાંધવા જેવી ચીજ ન હોય.
મન શું તમને હેરાન કરે છે ? તમે વાંકા છો, તમે વિકલ્પી છો, નહીં તો મન તો એના સ્વભાવમાં છે. મન શું કહે છે કે “તમે મારામાં વિચરો છો શું કરવા ? પણ હું જે બેઠો છું, મારું કામ કરું છું. એટલે પોતાના ઘરમાં છે; એ ઘેર ચરવાનું મેલી પારકે ઘેર ચરવા ગયો એ વિચરવું, એ વિચાર કહેવાય. તો પારકા ઘરમાં જઈએ છીએ એ આપણી ભૂલ છે ને ?