________________
ના ગમતા વિચારો સામે...
૩૨૯
ને તેનાથી બુદ્ધિ શક્તિ વધી જશે. પછી ડિસિઝન લેવાશે. બીજી કઈ મુશ્કેલી છે ?
પ્રશ્નકર્તા : આ મરકટ મનમાં અનેક વિચારો આવ્યા કરે છે તો એક વિચારને ફળીભૂત કરવા માટે શું કરવું જોઈએ ?
દાદાશ્રી : વિચારને ફળીભૂત કરીએ તો પાછો મરકટ થાય. એનાં કરતા એ વિચારને ધ્યાન પર જ ના લેવું એ સારું. વાંદરું છે એને દારૂ પાઈએ, શું થાય પછી ? કૂદાકૂદ ચાલી. એને પછી વીંછી કેડે, જોઈ લો એ મજા પછી.
પ્રશ્નકર્તા : મારો પ્રશ્ન એવો છે કે આપણા બધા વિચારોમાંથી કોઈ એક વિચાર આપણે ફળીભૂત કરવો હોય તો આપણે શું કરવું ?
દાદાશ્રી : કયો વિચાર ફળીભૂત કરવો છે ? પ્રશ્નકર્તા : ઔદ્યોગિક બાબતમાં.
દાદાશ્રી : હા, એ તો આપણે નક્કી કરવું. જે વિચાર આપણને આવતો હોય તે નિશ્ચય કરવો કે “આ જ કરવું છે હવે.’ એટલે તરત ફળીભૂત થાય. તમે એ વિચાર ઉપર નિશ્ચય કરો. હા, સ્ટ્રોંગ નિશ્ચય. એક સ્ટ્રોંગ ડિસિઝન લઈ લો કે મારે આજ કરવું છે, બીજું નહીં હવે. તો એ સીધું થઈ જાય, એને લાઈન મળી જાય.
એવું પૂછો છો ને તમે ? બીજું કશું પૂછો છો ? ડિસિઝન લઈ લો, કોઈ રોકશે નહીં પછી. તમારું સાચું ડિસિઝન હશે તો ભગવાન પણ રોકી શકે નહીં, કારણ કે ભગવાનથી કોઈની આડખીલી ના કરાય. નહીં તો ભગવાનનું પદ જતું રહે. એ આડખીલી કરે તો ભગવાનનું પદ જતું રહે. એટલે એય સમજે છે કે મારી આ ડિગ્રી જતી રહેશે, એનેય ભય લાગ્યા કરે.