________________
श्रीगुर्जरेश्वरो दष्ट्रवा तीव्रं मलपरीषहम् । श्रीकर्णो बिरुदं यस्य मलधारी न्यघोषयत् ॥ આ કર્ણરાજા સિદ્ધરાજ જયસિંહનો પિતા થતો હતો. એટલે વિક્રમની બારમી સદીના લગભગ પૂર્વાર્ધની આ બધી વાત છે. એટલે સં. ૧૧૪૨ માં મલધારી અભયદેવસૂરિના હાથે પ્રતિષ્ટા કરાવ્યાની વાત સમયની દૃષ્ટિએ જોતા સંપૂર્ણ મેળ ખાય છે. પદ્માવતીદેવીએ વિક્રમ સંવત ૧૧૪૨ ના મહા સુદ ૫ ને રવિવારના દિવસે અંતરિક્ષજીની અભયદેવસૂરિ મહારાજને હાથે પ્રતિષ્ઠા કર્યાનું જણાવ્યું છે. ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ તે દિવસે બરાબર રવિવાર આવે છે.
‘અભયદેવસૂરિ મહારાજે ભગવાનના ડાબે હાથે અધિષ્ઠાયક શાસનદેવતાની સ્થાપના કર્યાની’ જે વાત પદ્માવતીદેવીએ જણાવી છે તે પણ સંગત થાય છે. અત્યારે જ્યાંશ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાન બિરાજે છે તે જ મંદિરમાં એક બીજું પણ નાનું ભોંયરુ છે. તેમાં એક ઓટલા જેવી ઊંચી બેઠક છે તેના ઉપર ભગવાન પહેલાં વિરાજમાન હતા એમ માનવામાં આવે છે. આ બેઠકની બરાબર ડાબા હાથે જ અધિષ્ઠાયક દેવની સ્થાપના છે કે જે માણિભદ્ર નામથી ઓળખાય છે. આના ઉપર અત્યારે સિંદૂર ચડેલું છે એટલે મૂલસ્થાને ભગવાન વિરાજમાન હતા ત્યારે ડાબા હાથે જ અધિષ્ઠાયક દેવની સ્થાપના હતી તે વખતે ભગવાન પશ્ચિમાભિમુખ હશે. આ બેઠક ઉપર પણ માણિભદ્ર નામે ઓળખાતા અધિષ્ઠાયક દેવની બીજી સ્થાપના છે કે જે ભગવાનને ત્યાંથી ફેરવ્યા પછી કરવામાં આવી હશે. અત્યારે નવા સ્થાને ભગવાન પૂર્વાભિમુખ છે.
મૂલ મંદિર નાનું હોવાથી દેવની સૂચનાથી ભાવવિજયજીએ ઉપદેશ કરી શ્રાવકો પાસે નવું મંદિર બંધાવ્યાની વાત પણ બરાબર છે, કારણ કે જ્યાં પહેલાં પ્રતિમા વિરાજમાન હતી અને જેનો ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ભોયરું. (માણિભદ્રજીવાળું) એટલું બધું નાનું છે કે મુશ્કેલીથી તેમાં દશ માણસો ઊભા રહી શકે. આ બંને નાનાં મોટાં મંદિર વસ્તુતઃ એક જ મંદિરનાં બે ભોયરાં છે અને એક ભોયરામાંથી બીજા ભોંયરામાં જઈ શકાય છે.
ભાવવિજયજી ગણીએ નવા નંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા કરી ત્યારે ભગવાન એક આંગળ અદ્ધર રહ્યા આ વાત પણ બરાબર છે. અત્યારે ભગવાન એક આંગળ જેટલા બરાબર અદ્ધર છે જ.
ભાવવિજયજી ગણિએ પૂર્વાભિમુખ ભગવાનની સ્થાપના કરી એ પણ બરાબર જ છે. અત્યારે પૂર્વાભિમુખ જ વિરાજે છે. ભાવવિજયજી ગણિએ તેમના ગુરુ વિજયદેવસૂરિના જે પગલાંની સ્થાપના કરી હતી તે પગલાં માણિભદ્રજીવાળા ભોયરામાં અત્યારે પણ વિદ્યમાન છે જ.