________________
પોલકરો સાથે છેવટે એ જાતનું સમાધાન કરવામાં આવ્યું કે તેમના તરફથી ચાર માણસો મંદિરમાં ઝાડઝુડ, સફાઈ, પાણી લાવવું વગેરે કામ કરે અને બદલામાં આપણા તરફથી તેમને ૨૬૧ રૂપીઆ પ્રતિવર્ષ આપવામાં આવે. ભગવાન પાસે જે કંઈ ફળ-નૈવેદ્ય-અક્ષત ધરાવવામાં આવે તે પણ તેમને મળે તેમ જ ભગવાન પાસે ૧ થી ૧૦ રૂપીઆ સુધી મૂકવામાં આવે તે પણ તેમને (પોલકરોને) જ મળે. ૧૦ રૂપીઆથી વધારે મૂકવામાં આવે તે પેઢીમાં જમા થાય.'
આથી પ્રત્યેક યાત્રાળુઓએ ભગવાનની પાસે નાણું ન ધરતાં પેઢીમાં ભરાવવું એ જ ઈચ્છનીય છે એ વાતનો ખ્યાલ રાખવો.
શ્વેતાંબર અને દિગંબરોએ સંયુક્ત થઈને તીર્થને પોલકરોના તાબામાંથી છોડાવ્યું. પછી દિગંબરોની પૂજાવિધિ બહૂ જુદી હોવાને લીધે પરસ્પર ઘર્ષણ-અથડામણ ન થાય તે માટે બંને પક્ષના લગભગ હજારેક જૈનોની એક મીટિંગ વિ. સ. ૧૯૬૧ (ઈસ્વીસન-૧૯૦૫)માં શિરપુર મળી ત્યાં શ્વેતાંબરોએ દિગંબરોને સંતોષવા માટે તેમની સાથે મળીને બંને પક્ષના લોકોને નિયત સમયે વારા પ્રમાણે પોતપોતાની વિધિ પ્રમાણે પૂજા કરવાનો નિયમ દર્શાવતું પૃ. ૪૫ ઉપર આપેલ છે તે પદ્ધતિ મુજબ ટાઈમટેબલ તૈયાર કર્યું.
ઉપરાંત એવો પણ નિયમ ઘડવામાં આવ્યો કે શ્વેતાંબરોના પર્યુંષણ-પર્વના દિવસોમાં શ્રાવણ વદ્દ ૧૦ થી ભાદરવા સુદ ૪ સુધી દિગંબરોએ સવારના ૬ થી ૯ સુધી ત્રણ કલાક જ પૂજા કરવી. બાકીના ૨૧ કલાક શ્વેતાંબર જ કરે. તે જ પ્રમાણે દિગંબરોના દશલક્ષણ (પર્યુષણ) પર્વના ભાદરવા શુદ ૫ થી અનંત ચતુદર્શી-ભાદરવા શુદ ૧૪ સુધીના ૧૦ દિવસોમાં શ્વેતાંબરોએ સવારના ૬ થી ૯ સુધી જ પૂજા કરવી અને બાકીના ૨૧ કલાક દિગંબરોએ કરવી.
કોઈપણ પક્ષના લોકોને ગમે ત્યારે દર્શન કરવા જવાની છૂટ છે.
ત્યાર પછી બીજે વર્ષે સં. ૧૯૬૨ માં કારંજામાં બંને પક્ષની મીટિંગ મળી અને તેમાં એવો સુધારો કરવામાં આવ્યો કે આસો વદ ૧૪ના દિવસે શ્વેતાંબરોએ સવારના ૬ થી ૯ સુધી જ પૂજા કરવી. બાકીના ૨૧ કલાક દિગંબરવિધિ પ્રમાણે તેમ જ આસો વદ અમાવાસ્યાને દિવસે સવારમાં ૬ થી ૯ દિગંબર વિધિ પ્રમાણે અને બાકીના ૨૧ કલાક શ્વેતાંબર વિધિ પ્રમાણે પૂજા વગેરે કરવું.
આ ટાઈમ ટેબલ અત્યારે પણ તે જ પ્રમાણે ચાલુ છે.