________________
ત્યાં જઈને હરગર્વ આનોબાને શિષ્ય થવાનું વર્ણન છે. મહાનુભાવો પંથના સાહિત્યમાં મળતા બીજા અનેક ઉલ્લેખો ઉપરથી સિદ્ધ થાય કે આનોબા અને હરગર્વ (ઉર્ફ હયગ્રીવ, હિરણ્યગર્ભ, હરબા,) વિક્રમની ચૌદમી સદીમાં વિદ્યમાન હતા અને હરગર્વ ભટે વિક્રમ સં. ૧૩૬૬ માં આનોબા (ઉર્ફે ગોપાળપંડિત)નું શિષ્યપણું સ્વીકાર્યું હતું એટલે ઉપર જણાવેલો વાર્તાલાપનો પ્રસંગ વિ. સ. ૧૩૬૬ માં બન્યો હતો - જૈનેતર સાહિત્યમાં આ પ્રાચીન ઉલ્લેખનું મહત્ત્વ એ દષ્ટિએ છે કે-આ તીર્થની અને આ મૂર્તિના પ્રભાવની પ્રસિદ્ધિ માત્ર જૈનોમાં જ નહીં પણ જૈનેતરોમાં પણ સેંકડો વર્ષો પહેલાં પ્રસરેલી હતી. શિરપુરથી સેંકડો માઈલ દૂર વસતા જૈનેતરોમાં પણ ગામ પાર્શ્વનાથના શિરપુર' તરીકે ઓળખાતું હશે.
ત્યારે આ મૂર્તિનો ચમત્કાર તથા પ્રભાવ કેટલો બધો વિખ્યાત હશે એની કલ્પના સ્વયં જ કરી લેવા જેવી છે. એક નાનું તણખલું પણ અદ્ધર રહી શકતું નથી, ત્યારે ફણા સુધી ૪૦ ઈંચ ઊંચી મૂર્તિ બીલકુલ અદ્ધર રહે એ ભલભલાને પણ નવાઈ ઉપજાવે એમાં શું આશ્ચર્ય છે. ?
અર્ધ પદ્માસનાવસ્થ મૂર્તિ - આ પુસ્તકના પ્રથમ ભાગમાં છપાયેલા શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના ફોટામાં વાચકોએ જોયું જ હશે કે આ મૂર્તિ અર્ધ પદ્માસનાવસ્થ છે. ડાબા પગ ઉપર જમણો પગ છે. આવી અર્ધપદ્માસનાવસ્થ મૂર્તિ ડભોઈમાં શ્રી લોઢણ પાર્શ્વનાથ ભગવાનની તથા ભાદક (જિલ્લા ચાંદા, તાલુકા-વરોરા, મધ્યપ્રદેશ) તીર્થમાં વિરાજમાન પાર્શ્વનાથ ભગવાનની (ઊંચાઈ મસ્તક સુધી ૫૦ ઈંચ, ફણા સુધી ૬૦ ઈચ) અમારા જોવામાં આવી છે. કુલ્પાક તીર્થમાં પણ અર્ધપદ્માસનાવસ્થ મૂર્તિઓ બિરાજે છે.
વાળની પ્રતિમા એક વાત ધ્યાનમાં રહે કે આ પ્રતિમા વાળુની કિંવા છાણવાળુની બનાવેલી છે, અને તેથી શ્વેતાંબરો અવારનવાર લેપ પણ કરાવે છે પરંતુ આ તીર્થના વહીવટ અને માલિકીના દિગંબર-શ્વેતાંબર વચ્ચે ચાલેલા ઝઘડા વખતે દિગંબરોએ કોર્ટમાં એ જાતની રજુઆત કરી હતી કે આ મૂર્તિ પાષણની જ છે. ત્યારે આકોલા કોર્ટમાં કેસનો ચુકાદો આપનાર એડિશનલ જજ શ્રી આર. વી. પરાંજપેએ (તારીખ ૧૮-૩-૧૯૧૭) અંતરીક્ષજી જઈને જાતે તપાસ કરી હતી. તેમણે પણ ત્યાં લેપ ઉખડી ગયો હતો તે ભાગ ઉપર હાથ તેમજ નખ ફેરવતાં રેતી ખરવાથી આ મૂર્તિ રેતી મિશ્રિત વસ્તુની બનેલી છે એવો જ અભિપ્રાય આપ્યો છે.