________________
૨ ૦ અનેકાન્ત ચિંતન
મનુષ્યજાતિ વિશે પણ છે. મનુષ્યજાતિને પણ બાલ્ય આદિ ક્રમિક અવસ્થાઓ અપેક્ષા વિશેષે હોય જ છે. તેનું જીવન વ્યક્તિના જીવન કરતાં ઘણું જ લાંબું અને વિશાળ હોઈ તેની બાલ્ય વગેરે અવસ્થાઓનો સમય પણ તેટલો જ લાંબો હોય તે સ્વાભાવિક છે. મનુષ્યજાતિ જ્યારે કુદરતને ખોળે આવી અને તેણે પ્રથમ બાહ્ય વિશ્વ તરફ ખ ખોલી ત્યારે તેની સામે અદ્ભુત અને ચમત્કારી વસ્તુઓ તેમ જ બનાવો ઉપસ્થિત થયા. એક બાજુ સૂર્ય, ચંદ્ર અને અગણિત તારામંડળ અને બીજી બાજુ સમુદ્ર, પર્વત અને વિશાળ નદીપ્રવાહો તેમ જ મેઘગર્જનાઓ અને વિદ્યુત્ચમત્કારોએ તેનું ધ્યાન ખેંચ્યું. મનુષ્યનું માનસ આ બધા સ્થૂલ પદાર્થોના સૂક્ષ્મ ચિંતનમાં પ્રવૃત્ત થયું અને તેને એ વિશે અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા. જેમ મનુષ્યમાનસને બાહ્ય વિશ્વના ગૂઢ તેમ જ અતિસૂક્ષ્મ સ્વરૂપ વિશે અને તેના સામાન્ય નિયમો વિશે વિવિધ પ્રશ્નો ઉદ્ભવ્યા, તેમ તેને આંતરિક વિશ્વના ગૂઢ અને અતિસૂક્ષ્મ સ્વરૂપ વિશે પણ વિવિધ પ્રશ્નો ઉદ્ભવ્યા. આ પ્રશ્નોની ઉત્પત્તિ તે જ તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિનું પ્રથમ પગથિયું. એ પ્રશ્નો ગમે તેટલા હોય અને કાળક્રમે તેમાંથી બીજા મુખ્ય અને ઉપપ્રશ્નો પણ ગમે તેટલા જન્મ્યા હોય, છતાં એકંદર આ બધા પ્રશ્નોને ટૂંકમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય.
તાત્ત્વિક પ્રશ્નો
દેખીતી રીતે સતત પરિવર્તન પામતું આ બાહ્ય વિશ્વ ચારે ઉત્પન્ન થયું હશે ? શેમાંથી ઉત્પન્ન થયું હશે ? પોતાની મેળે જ ઉત્પન્ન થયું હશે કે કોઈએ ઉત્પન્ન કર્યું હશે ? અને ઉત્પન્ન થયું ન હોય તો શું આ વિશ્વ એમ જ હતું અને છે ? જો તેનાં કારણો હોય તો તે પોતે પરિવર્તન વિનાના શાશ્વત જ હોવાં જોઈએ કે પરિવર્તનશીલ હોવાં જોઈએ ? વળી એ કારણો કોઈ જુદી જુદી જાતનાં જ હશે કે આખા બાહ્ય વિશ્વનું કારણ માત્ર એકરૂપ જ હશે ? આ વિશ્વની વ્યવસ્થિત અને નિયમબદ્ધ જે સંચાલના અને રચના દેખાય છે તે બુદ્ધિપૂર્વક હોવી જોઈએ કે યંત્રવત્ અનાદિસિદ્ધ હોવી જોઈએ ? બુદ્ધિપૂર્વક વિશ્વવ્યવસ્થા હોય તો તે કોની બુદ્ધિને આભારી છે ? શું એ બુદ્ધિમાન તત્ત્વ પોતે તટસ્થ રહી વિશ્વનું નિયમન કરે છે કે એ પોતે જ વિશ્વરૂપે પરિણમે છે અથવા દેખાય છે ?
ઉપરની રીતે આંતરિક વિશ્વના સંબંધમાં પણ પ્રશ્નો થયા કે જે આ બાહ્ય વિશ્વનો ઉપભોગ કરે છે યા જે બાહ્ય વિશ્વ વિશે અને પોતા વિશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org