________________
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૪ સમતાનાં ફળો :
(૧) ઋદ્ધિનું અપ્રવર્તન:- સાધક આત્મામાં સમતાના બળથી જ્ઞાનાવરણીયના અને વીર્યાતરના ક્ષયોપશમથી અનેક પ્રકારની આકર્ષાષધિ આદિ લબ્ધિઓ પ્રગટે છે. આમ છતાં સાધયોગીનું ચિત્ત સમતાના કારણે અત્યંત નિસ્પૃહ હોવાથી પ્રગટેલી કોઈ લબ્ધિઓનો પોતાની જરૂરિયાત માટે ઉપયોગ કરતા નથી. તેથી ઋદ્ધિઓનું અપ્રવર્તન સમતાનું ફળ છે. જો આ પ્રકર્ષ પામતી સમતા ન પ્રગટી હોત તો પૂર્વની સમતાથી પ્રગટેલી ઋદ્ધિઓ જીવને મોહનો પરિણામ ઉત્પન્ન કરાવીને તે લબ્ધિઓનો ઉપયોગ કરવા પ્રેરણા કરત; પરંતુ જેમની સમતા ઉત્તરોત્તર પ્રકર્ષ પામી રહી છે, તેવા યોગીઓ પોતાને પ્રગટેલી કોઈ લબ્ધિઓનો ઉપયોગ કરતા નથી.
(૨) સૂક્ષ્મ કર્મક્ષય :- વિશિષ્ટ સમતા પ્રાપ્ત થયા પૂર્વે યોગીઓ સંયમની ઉચિત ક્રિયાઓ દ્વારા કર્મનો ક્ષય કરે છે, પરંતુ સૂક્ષ્મ કર્મોનો ક્ષય એ સમતાનું ફળ છે, અને તે સૂક્ષ્મ કર્મો એટલે કેવલજ્ઞાન, કેવલદર્શન અને યથાખ્યાત ચારિત્ર આદિનાં આવારક કર્યો. આ સૂક્ષ્મ કર્મોનો ક્ષય સમતામાં ઉપયુક્ત યોગી જ્યારે વીતરાગતા સાથે લય અવસ્થાને પામે છે ત્યારે થાય છે, જે પ્રકર્ષને પામીને જીવને વીતરાગ બનાવે છે.
(૩) અપેક્ષાતંતુનો વિચ્છેદ - જીવને આત્મગુણોથી અતિરિક્ત કોઈપણ પદાર્થ પ્રત્યેની અપેક્ષા થાય છે, તે બંધનનો હેતુ છે. આત્માના ગુણો સ્વમાં રહેલા છે, તેથી જેને આત્મામાં રહેલા ગુણો પોતાનામાં છે તેવું દેખાતું હોય તેવા યોગીઓ, આત્મગુણો પ્રત્યે પણ અપેક્ષાવાળા નથી, પરંતુ તે આત્મગુણોમાં તન્મય થઈને નિરપેક્ષભાવથી રહે છે; કેમ કે અપેક્ષા એ આત્માનો ગુણ નથી. સાધક યોગીમાં સમતા પ્રગટ થાય છે ત્યારથી અપેક્ષા ઉત્પન્ન કરાવનારા સંસ્કારો ક્ષીણક્ષીણતર થતા જાય છે, અને પ્રકર્ષને પામેલી સમતા કર્મબંધના કારણભૂત એવા અપેક્ષારૂપ તંતુનો વિચ્છેદ કરે છે, તેથી સર્વત્ર નિરપેક્ષ એવા આત્માનું સ્વરૂપ સહજભાવે આવિર્ભાવ પામે છે. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org