________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ “તેમ જ્ઞાની પણ, રાગાદિભાવોના અભાવથી સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ્યભાવ પ્રવર્યો છે એવો વર્તતો થકો, વિષયોને ભોગવતાં છતાં પણ, તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યને લીધે (કર્મોથી) બંધાતો નથી.”
જુઓ, જેનું વીર્ય શુદ્ધ આત્માના આનંદના અનુભવમાં ઉલ્લસિત થયું છે તે સ્વરૂપનો રસિયો જીવ જ્ઞાની છે. એ જ્ઞાનીને સ્વરૂપના રસની અધિકતા આગળ રાગનો રસ ઊડી ગયો છે. તેને રાગમાં રસ નથી, ઉત્સાહુ નથી, હોંશ નથી. તેથી જેમ અરતિભાવે મદિરા પીનારને મદ ચડતો નથી તેમ સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રતિ જેને તીવ્ર વૈરાગ્યભાવ પ્રવર્તે છે તેવો જ્ઞાની વિષયોને ભોગવતા છતાં પણ બંધાતો નથી. રાગાદિભાવોના અભાવથી”—એમ કહ્યું છે ને? મતલબ કે બીજો કિંચિત્ રાગ ભલે હોય પણ તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી સંબંધી રાગ ને રસ તૂટી ગયો છે. અહાહા...! જ્ઞાનરસ, પરમ અદ્દભુત વૈરાગ્યરસ જે અનંતકાળમાં નહોતો તે જ્ઞાનીને પ્રગટ થયો છે. આત્માના આનંદરસનો રસિયો જ્ઞાની આત્મરસી થયો છે. તેથી તેને રાગાદિભાવોનો અભાવ છે, અર્થાત્ રાગના રસનો અભાવ છે. રસની વ્યાખ્યા આવે છે ને કે-જ્ઞાન કોઈ એક શેયમાં તદાકાર-એકાકાર થઈ એમાં લીન થઈ જાય એનું નામ રસ છે. (ગાથા ૩૮ ભાવાર્થ). જ્ઞાની વીતરાગરસનું ઢીમ એવા આત્મામાં એકાકાર થઈ લીન થયો છે તેથી તેને રાગનો રસ નથી અને તેથી તે વિષયોને ભોગવતો છતો બંધાતો નથી.
અહીં કહે છે–ધર્મીને પણ... અહા ! પણ ધર્મી કોને કહીએ? અજ્ઞાની તો તપ કરે, ઉપવાસ કરે, મંદિર બંધાવે અને લોકોને શાસ્ત્ર સંભળાવે એટલે માને કે ધર્મી થઈ ગયો. ના હોં એમ નથી. પરની સાથે ધર્મને કાંઈ સંબંધ નથી. ધર્મી તો તેને કહીએ જેને સ્વરૂપના આનંદના રસ આગળ રાગનો રસ ઉડી ગયો છે, રાગનો અભાવ થયો છે, અહીં કહે છે-ધર્મીને રાગભાવના અભાવથી “સર્વ દ્રવ્યોના” ઉપભોગ પ્રત્યે તીવ્ર વૈરાગ્ય હોય છે. વજન અહીં આપ્યું છે કે સર્વ દ્રવ્યોના એટલે કોઈ પણ દ્રવ્ય પ્રત્યે ધર્મીને તીવ્ર વૈરાગ્ય હોય છે. અહાહા...! આનંદનો નાથ અમૃતરસનો-શાંતરસનો સાગર પ્રભુ આત્મા જ્યાં ઉછળ્યો ત્યાં પર્યાયમાં આનંદરસનો સ્વાદ આવ્યો. એ સ્વાદની આગળ ઇન્દ્રના કે ચક્રવર્તીના ભોગ પણ તુચ્છ ભાસવા લાગ્યા અર્થાત્ એવા કોઈ પણ ભોગ પ્રત્યે તેને તીવ્ર વૈરાગ્ય થયો. જુઓ, પાઠમાં “સર્વ દ્રવ્યો' લીધાં છે ને! મતલબ કે સ્વદ્રવ્યમાં રસ જાગ્રત થતાં સર્વ પદ્રવ્યોના ઉપભોગનો પ્રેમ ઉડી જાય છે. અહાહા..! એક કોર રામ અને એક કોર ગામ! જેમ માતા આડો ખાટલો રાખીને ન્હાતી હોય અને પુત્ર ત્યાં કદાચ આવી ચઢે તો શું તેની નજર માતા ભણી જાય? અરે, તે માતાના શરીરની સામું પણ ન જુએ. તેમ આત્માના આનંદનો સ્વાદ જેને આવ્યો છે તે જ્ઞાનીને અન્ય સર્વદ્રવ્યોમાંથી રસ ઉડી ગયો છે, એકના રસ આગળ અન્ય સર્વમાંથી રસ ઉડી ગયો છે. ઘણું આકરું કામ ભાઈ ! પણ જ્ઞાનીને તે સહજ હોય છે. એ જ કહે છે કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com