________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૭ ]
[ ૫૯ છે, બાકી બહારના ભાગ તો પ્રભુ! દ્રવ્યલિંગ ધારી-ધારીને અનંતવાર કર્યા છે. પણ તેથી શું? ભાવલિંગ વિના બધું ફોગટ છે.
ભાવપાહુડમાં આવે છે કે “ભાવહિ જિનભાવના જીવ' હે જીવ! જિનભાવના ભાવ. જિનભાવના કહો કે સમ્યગ્દષ્ટિની ભાવના કહો કે વીતરાગપણાની ભાવના કહો-એ બધું એક જ છે. એના વિના દ્રવ્યલિંગ અનંતવાર ધારણ કર્યા છે. તે એટલી વાર ધારણ કર્યા છે કે દ્રવ્યલિંગ ધારીને પછી મરીને અનંતા જન્મ-મરણ એક એક ક્ષેત્રે કર્યા છે. દ્રવ્યલિંગ ધારીને જે લોંચ કર્યા તેના એક એક વાળને એકઠો કરીએ તો અનંતા મેરુ પર્વત ઊભા થઈ જાય એટલી વાર દ્રવ્યલિંગ ધારણ કર્યા છે. પણ ભાઈ ! ભાવલિંગ વિના દ્રવ્યલિંગ સાચું હોઈ શકતું નથી-એમ ત્યાં કહેવું છે. જેને ભાવલિંગ અર્થાત્ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર પ્રગટયું છે તેને દ્રવ્યલિંગ-પંચમહાવ્રતનો વિકલ્પ અને નમ્રતા આદિ જ હોય છે. પરંતુ ભાવલિંગ વિના બહારથી દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય તેને વાસ્તવિક દ્રવ્યલિંગ વ્યવહારે પણ કહી શકાતું નથી.
ભગવાન આત્મા સદાય શુદ્ધ ચિદાનંદઘન સ્વરૂપ છે. તે સ્વરૂપની ઉપાદેયબુદ્ધિ અને રાગમાં ત્યાગબુદ્ધિ વડે, કહે છે, પોતાના વસ્તુત્વનો અભ્યાસ કરવો. શું કહ્યું એ? કે આનંદસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ પોતે અખંડ એકરૂપ વસ્તુ છે અને તેનું “પણું” એટલે જ્ઞાન, આનંદ, શાંતિ, વીતરાગતા તેનો ભાવ છે. તેનો અભ્યાસ કરવો એટલે વારંવાર તેનો અનુભવ કરવો. આવો અનુભવ કરવા માટે આ એક જ્ઞાનાનંદસ્વરૂપ તે હું સ્વ છું અને રાગાદિભાવ સર્વ પર છે એવો ભેદ પરમાર્થે જાણીને જ્ઞાની સ્વમાં રહે છે અને પરથી – રાગથી વિરમે છે. “પરમાર્થે જાણીને” એમ કહ્યું છે ને? મતલબ કે રાગાદિ પરથી ભિન્ન પડીને અંતરમાં જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન જ્ઞાયકનો, જેમાં આનંદનું વદન પ્રગટ થયું છે તેવો અનુભવ કરીને જ્ઞાની સ્વમાં રમે છે અને પરથી સર્વ પ્રકારે વિરમે છે; વ્યવહારના રાગથી પણ તે સર્વ પ્રકારે વિરમે છે.
જ્ઞાની પરથી ભેદ પાડીને સ્વમાં સ્થિર થાય છે તે રાગને કારણે થાય છે એમ નથી, પણ રાગનો ભેદ કરવાથી સ્વમાં સ્થિર થાય છે, તેથી તો કહ્યું કે પરથી-રાગના યોગથી સર્વ પ્રકારે વિરમે છે. અહાહા..! શ્લોક તો જુઓ ! શું એની ગંભીરતા છે! જ્ઞાની સ્વમાં રહે છે અને પરથી-રાગના યોગથી સર્વ પ્રકારે વિરમે છે-આ જ્ઞાન-વૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ. જ્ઞાન-વૈરાગ્યની કોઈ અચિંત્ય શક્તિ છે જે વડે જ્ઞાની સ્વમાં રહે છે અને રાગથી નિવર્તે છે–ખસે છે. સ્વમાં વસવું અને પરથી–રાગથી ખસવું-એ જ્ઞાન-વૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ. અહાહા..! બહુ ટૂંકી પણ આ મૂળ મુદ્દાની રકમની વાત છે. [ પ્રવચન નં. ૨૬૭ (શેષ), ર૬૮ * દિનાંક ૨૦-૧૨-૭૬ અને ૨૧-૧૨-૭૬ ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com