________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૫ ]
[ ૨૧
જ્ઞાન અને ચારિત્ર-એવો જે નિશ્ચય મોક્ષમાર્ગ તેને અહીં શુભ એટલે સારો કહ્યો છે. પુણ્ય તે શુભ અને પાપ તે અશુભ (કર્મ) એ વાત આમાં નથી. અહીં તો મોક્ષમાર્ગને શુભ કહ્યો અને શુભાશુભભાવરૂપ બંધમાર્ગને અશુભ કહ્યો છે. સમજાણું કાંઈ...? શુભાશુભભાવરૂપ જે બંધમાર્ગ છે તે કેવળ પુદ્ગલમય છે. અહા! જે અજ્ઞાનમય છે તે જીવમય કેમ હોય? ( ન જ હોય). શુભ-સારો એવો મોક્ષમાર્ગ કેવળ જીવમય છે. શું કહ્યું? શુદ્ધ રત્નત્રયરૂપ જે મોક્ષમાર્ગની વીતરાગી પર્યાય તે કેવળ જીવમય છે અને તેથી તે શુભ છે. અને શુભાશુભકર્મરૂપ જે બંધમાર્ગ તે કેવળ અજ્ઞાનમય-પુદ્ગલમય છે તેથી તે અશુભ છે.
હવે કહે છે-તેથી તેઓ (-શુભાશુભ કર્મ) અનેક (–બે) હોવા છતાં કર્મ તો કેવળ બંધમાર્ગને જ આશ્રિત છે. ભાઈ ! જે તું એમ કહે છે કે શુભકર્મ મોક્ષમાર્ગને આશ્રિત થાય છે પણ એમ છે નહિ. (એ તો તારી મિથ્યા કલ્પના છે). શુભકર્મ પણ બંધમાર્ગને આશ્રિત થાય છે. સમજાણું કાંઈ....? આવો જે શુભભાવ એ કેવળ બંધમાર્ગને આશ્રિત હોવાથી શુભભાવ કરતાં કરતાં નિશ્ચય સમ્યગ્દર્શન થાય એ વાત કયાં રહે છે? ( એ માન્યતા યથાર્થ નથી).
તો વ્યવહારને કારણ કહ્યું છે ને?
ભાઈ ! એ તો આરોપ કરીને કહ્યું છે. વ્યવહાર કારણ તો આરોપિત કારણ-આરોપિત સાધન છે અને તે પણ નિશ્ચયની હયાતીમાં તેને વ્યવહાર કારણ કહેવામાં આવે છે.
આ પ્રમાણે શુભાશુભ કર્મ કેવળ બંધમાર્ગને આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે.
આમ કેવળ વ્યવહારના પક્ષને લીધે અજ્ઞાનીને શુભાશુભકર્મમાં જે ઠીક-અદીકરૂપ ભેદ જણાતો હુતો તેનું અહીં નિરાકરણ કરવામાં આવ્યું.
* ગાથા ૧૪૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
“કોઈ કર્મ તો અરહંતાદિમાં ભક્તિ-અનુરાગ, જીવો પ્રત્યે અનુકંપાના પરિણામ, મંદ કષાયથી ચિત્તની ઉજ્વળતા ઇત્યાદિ શુભ પરિણામોના નિમિત્તે થાય છે...”
જુઓ, કોઈ કર્મ તો અરહંતાદિમાં એટલે પંચપરમેષ્ઠીમાં ભક્તિ-અનુરાગના નિમિત્તે થાય છે. ભાઈ ! પંચપરમેષ્ઠીમાં અનુરાગ એ રાગ છે, આકુળતા છે. પોતાના આત્માના આનંદની દશા પ્રગટ કરવામાં એ રાગ સહાયક એટલે નિમિત્ત હો પણ સહાયક એટલે મદદગાર નથી. “સહાયક” એટલે “સાથે છે.” બસ એટલું જ. “સહાયક' એટલે મદદ કરે છે એમ અર્થ નથી; કેમકે અરહંતાદિ પંચ-પરમેષ્ઠી ભગવાન અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com