________________
લેખકનું વક્તવ્ય
મૂળે હું વિજ્ઞાનનો વિદ્યાર્થી | સ્નાતક હોવા છતાં સંયોગાધીન ક્ષેત્રાતિક્રમણ થવાથી મારો પુરાતત્ત્વના પ્રદેશમાં પ્રવેશ થયો અને સાથે જ એ દિશામાં જિજ્ઞાસાપૂર્વકના શોધકાર્યનો આરંભ થયો. એના પાયા પર પછીથી કલા-ઇતિહાસની ઇમારત ઊભી કરવાની આવડત પ્રાપ્ત કરી. શાળા-શિક્ષણના દિવસોથી જ, અંતરંગમાં મૂલગત વલણ હતું રસાનુભૂતિયુક્ત કલાભાવન. એને પ્રત્યાયન લેખે કેંદ્રમાં રાખીને પ્રાચીન અને મધ્યકાલીન સંસ્કૃત વાસ્તુશાસ્ત્રો | શિલ્પશાસ્ત્રો તથા પ્રશિષ્ટ યુગના સંસ્કૃત સાહિત્યમાંથી, તે સમયખંડોમાં પ્રયોગમાં લેવાયેલી પરિભાષા તથા તત વિષયોચિત અન્ય શબ્દાવલીના ઉપયોગ સમેતના કલાવિવેચનોવાળા લેખો પણ કુમાર આદિમાં લખ્યા. ત્યારબાદનાં વર્ષોમાં એ વ્યવસાય અને અભિરુચિ સદંતર છૂટ્યાં તો નહીં, પણ આજથી ૨૮ વર્ષ પૂર્વે બનેલી ઘટનાઓના પરિણામરૂપે ખોજકોશિશો અને કલમ એક નવી જ દિશા તરફ અનાયાસે વળી ગયાં. સન્ ૧૯૭૩ના ઑગસ્ટ માસથી અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં કલા અને સ્થાપત્યના પ્રાધ્યાપકરૂપે જોડાયેલો, ને એ કાળે શત્રુંજયગિરિતીર્થનો અને ગિરિવર પર અવસ્થિત જિનમંદિરો આદિનાં ઇતિહાસ અને સમગ્ર વિવરણને સમાવી લેતું એક વ્યવસ્થિત અને પ્રમાણભૂત પુસ્તક તૈયાર કરવા સંબદ્ધ પ્રોજેક્ટ હાથ ધરેલો. શત્રુંજય તીર્થના ઇતિહાસની વિગતો જાણવા આગમો અને આગમિક વ્યાખ્યાઓથી લઈ કથાસાહિત્ય, માહાભ્ય ગ્રંથો, ચરિતો, પ્રબંધો, સ્તુતિ-સ્તોત્રો તથા તીર્થમાળાઓ અને ચૈત્યપરિપાટીઓ સમેતનું વિશાળ સાહિત્ય વાંચવાનું, વલોવવાનું હતું. તેમાં આગમો અને આગમિક સાહિત્ય અને તેના આધારે દેશવિદેશના વિદ્વાનોનાં વર્તમાને થયેલાં લખાણો જોઈ વળતાં બે વાતો સ્પષ્ટ બની ઃ (૧) પ્રાચીનતમ આગમોની મૂળ ભાષા અર્ધમાગધી હોવાનું મનાય તો છે, પણ તે ઈસ્વી બીજી શતાબ્દી બાદ ક્રમશઃ મહારાષ્ટ્રીપ્રાકૃતના બળાત્કારનો ભોગ બની વિકૃત થયેલી છે. અર્ધમાગધી ભાષાના વ્યાકરણાદિ નિયમો શું હતા તે વિશે પ્રાચીન મધ્યકાલીન લક્ષણશાસ્ત્રીઓએ બહુ જ ટૂંકાણમાં જે સામાન્ય અને અલ્પ પ્રમાણમાં નિયમો બતાવ્યા છે, તેનો વિગતે નિશ્ચય કરી, એ ભાષાને સાધાર, સપ્રમાણ, અસલી સ્વરૂપમાં પ્રગટાવવાનો પ્રયત્ન ન તો ભારતીય કે ન તો પાશ્ચાત્ય જૈનવિદ્યાવિદો દ્વારા ત્યારે થયેલો. પરંતુ એ પ્રકારનું કાર્ય હાથ ધરી શકનાર વિદ્વાન્ વિવિધ પ્રાકૃત ભાષાઓ, ભાષાશાસ્ત્ર, ભાષાવિજ્ઞાન, અને આધુનિક શોધાધિગમ-માન્ય પદ્ધતિ અનુસારનાં વિશ્લેષણ, ચકાસણી આદિ આવશ્યક તત્ત્વોથી માહિતગાર જ નહીં, ઉત્કૃષ્ટ ક્ષમતા પણ ધરાવતો હોવો જોઈએ. મારે માટે તો અલબત્ત એ પહોંચ બહારની વાત હતી. (એ કામ દોઢેક દાયકાથી પ્રાકૃત ભાષાવૈજ્ઞાનિક ડા. કસ્તુરચંદ રિખભચંદ ચંદ્ર કરી રહ્યા છે.) (૨) જૈનો અને દેશવિદેશના જૈનેતર વિદ્વાનો દ્વારા સંગ્રથિત નિર્ચન્થદર્શનના ઇતિહાસનાં વિગતો અને ચિત્રણો કેટલીકવાર અજ્ઞાનવશ, તો ઘણીક વખત ઇતિહાસ-અન્વેષણાના અધિગમના જાણપણાના અભાવે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org