________________
એવી રીતે લેખ ૧૬માં “કપૂરપ્રકર'ના રચનાકાળ વિશે છણાવટ કરી છે.
સ્યાદ્વાદમંજરી'ના કર્તા મલ્લિષેણ સૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ નાગેન્દ્રગચ્છના સુપ્રસિદ્ધ વિજયસેનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિ નહિ પણ એ જ ગચ્છના વર્ધમાનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિ હોવા જોઈએ એવું લેખકે લેખ ૧૭માં પ્રતિપાદિત કર્યું છે. “જૂનાગઢ' એ વર્તમાન નામનું અસલ રૂપ શું? “જીર્ણદુર્ગ', “જૂર્ણદુર્ગ” કે “જૂના(સુલતાન મહમંદ)નો ગઢ'? લેખ ૧૮માં લેખકે આ વિભિન્ન મતોનાં મૂળ પ્રમાણોની મીમાંસા કરી છે. લેખ ૧૯માં વ્યંતર વાલીનાહ- વલભીનાથ)નો આછો પરિચય આપવામાં આવ્યો છે.
શ્રી ઢાંકીની અધ્યયન-અભિરુચિ જૈન સ્તોત્ર સાહિત્યના ક્ષેત્રમાં પણ સુપેરે વિકસી છે. આથી આ લેખ-સમુચ્ચયમાંના બાકીના તદ્વિષયક લેખ (૨૦થી ૩૪) ૧૫ જેટલી વિપુલ સંખ્યા ધરાવે છે. આ સાહિત્યના અધ્યયનમાં પણ તેઓની સંશોધકદષ્ટિ ભક્તિ કે કાવ્ય ઉપરાંત રચનાસમય પરત્વે ઇતિહાસની રહેલી છે. જૈન સ્તોત્રોમાં તીર્થકરોની નિર્વાણભૂમિઓ વિશેનાં સ્તોત્ર ઉત્તર ભારતનાં હજારેક સંસ્કૃત-પ્રાકૃત સ્તોત્રોમાં નહિ, પણ દક્ષિણ ભારતમાં ઉપલબ્ધ છે એ હકીકત દર્શાવી લેખક નોંધે છે કે દાક્ષિણાત્ય નિર્ગસ્થ પરંપરા નિર્વાણભૂમિ સરખા કપરા, શુષ્ક અને ગમગીન વિષયને પણ સ્તોત્ર-કાવ્યના માધ્યમ દ્વારા નિબંધરૂપે નિર્વહિત કરી શકે છે. “વૈરોટ્યાદેવી સ્તવ” તથા “ઉપસર્ગહર સ્તોત્ર'ને લગતા લેખનો વિષય એ કૃતિઓના રચનાકાળ અંગનો છે. “ચૈત્યપરિપાટી સ્તવમાં ઉલ્લિખિત ચેત્યોની સ્થળવાર સમીક્ષા કરી લેખક એના રચનાકાળનું અન્વેષણ પ્રસ્તુત કરે છે. લેખક વિભિન્ન સ્તોત્રોના પદલાલિત્ય, રસમાધુર્ય, અલંકારસંપન્નતા, છંદોલય ઈત્યાદિ તત્ત્વો દ્વારા એ કૃતિઓનું કાવ્યદૃષ્ટિએ મનોહર રસદર્શન પણ કરાવે છે તેમ જ કેટલીક વાર સકલ સ્તોત્રો ને એનાં મધુર પદ્યો પણ ઉદ્ધત કરે છે. આમાંનાં અનેક સ્તોત્ર સંસ્કૃતમાં રચાયાં છે, તો બીજાં કેટલાંક જૂની ગુજરાતીમાં, ચૈત્યપરિપાટી કે પ્રવાડિરૂપે દુહાદિ છંદોમાં, રચાયાં છે. આમાંનાં કેટલાંક સ્તોત્ર હસ્તપ્રતો પરથી અહીં પહેલી વાર સંપાદિત કરેલાં છે. આ સ્તોત્રો ભાષા, છંદ, રચના ઈત્યાદિનું વિપુલ વૈવિધ્ય ધરાવે છે. આ અનેક મનોહર સ્તોત્રોનું અધ્યયન કરી લેખકે અહીં એ સાહિત્ય-પ્રકારની અનેક રુચિર કૃતિઓનું વિશદ રસદર્શન કરાવ્યું છે.
આમ શ્રી મધુસૂદન ઢાંકીએ આ લેખ-સમુચ્ચયમાં નિર્ઝન્ય સાહિત્યની ઘણી કૃતિઓ તથા સમસ્યાઓનું સંશોધનાત્મક અધ્યયન પ્રસ્તુત કરી જૈનવિદ્યાના અધ્યયન-સંશોધનમાં ગણનાપાત્ર પ્રદાન કર્યું છે. આવા સૂક્ષ્મ અધ્યયન-સંશોધન માટે લેખકને અભિનંદન ઘટે છે. એમના આ લેખ-સમુચ્ચયનું પ્રકાશન જૈનવિદ્યાના તેમ જ ભારતીય સંસ્કૃતિના અભ્યાસીઓને રસપ્રદ તથા ઉપકારક નીવડશે એની મને શ્રદ્ધા છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી અમદાવાદ
નિવૃત્ત નિયામક, ભોજે. તા. ૨૮-૮-૨૦૦૦
અધ્યયન-સંશોધન વિદ્યાભવન, (૨૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org