________________
સંવિગ્નપાક્ષિક મહાત્માઓને શુદ્ધપ્રરૂપણા અને સુસાધુઓને ઔષધપ્રદાન વગેરે જેમ નિર્જરાનાં કારણ બનવાથી સફળ બને છે તેમ પોતાના ઉલ્લાસ મુજબ કરાતી આવશ્યકાદિ ક્રિયાઓ પણ વ્યર્થ નથી પણ સાર્થક છે તે જણાવાય છે – नावश्यकादिवैयर्थ्यं तेषां शक्यं प्रकुर्वताम् । अनुमत्यादिसाम्राज्याद् भावावेशाच्च चेतसः ॥३-२४॥
પોતાના ઉલ્લાસ મુજબ શક્ય એવા સ્વાચારને કરતા એવા સંવિગ્નપાક્ષિક મહાત્માઓની આવશ્યક ક્રિયા વગેરે વ્યર્થ (નિષ્ફળ) નથી. કારણ કે એ કરતી વખતે નિરન્તર અનુમોદના વગેરે ચાલુ હોય છે અને ચિત્ત ભાવાન્વિત હોય છે.' - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંવિઝપાક્ષિક મહાત્માઓ પોતાના વીર્ય-ઉલ્લાસ મુજબ શક્ય એવી પોતાની ક્રિયાઓ કરતા હોય છે. તે વખતે તેવા પ્રકારના ઉલ્લાસાદિના અભાવે તે તે ક્રિયાઓ બરાબર ન થવા છતાં નકામી જતી નથી. કારણ કે તે વખતે પણ જેઓ તે તે ક્રિયાઓ શુદ્ધ રીતે કરતા હોય છે તેમની નિરન્તર અનુમોદના અને તે માટે પ્રેરણા કરવાદિના કારણે તે તે ક્રિયાઓનો સર્વથા ભંગ થતો નથી તેમ જ ચિત્ત; તે તે ક્રિયાઓના અર્થ(પરમાર્થ)ને વિશે ઉપયોગશીલ હોવાથી તેના ફળ સ્વરૂપે શ્રદ્ધા, મેધા અને ધૃતિ વગેરેની પ્રાપ્તિ થાય છે. આવી ક્રિયાઓ કરવાથી જ પોતાના આચાર પ્રત્યેની પ્રીતિના કારણે સંવિગ્ન પાક્ષિક મહાત્માઓને ઈચ્છાયોગ સંગત થાય છે. અન્યથા તેમને ઈચ્છાયોગ પણ સંગત નહિ થાય.