________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૬૫
પ્રવચન ક્રમાંક - ૮૪
ગાથા ક્રમાંક - ૧૧૦
વર્તે સદ્ગુરુ લક્ષ
મતદર્શન આગ્રહ તજી, વર્તે સદગુરુલક્ષ,
લહે શુદ્ધ સમક્તિ છે, જેમાં ભેદ ન પક્ષ. (૧૧૦). ટીકા : મત અને દર્શનનો આગ્રહ છોડી દઈ જે સદગુરુને લક્ષે વર્તે, તે શુદ્ધ સમક્તિને પામે કે જેમાં ભેદ અને પક્ષ નથી - ૧૧૦
આ ગાથામાં શુદ્ધ સમકિત કઈ રીતે પ્રાપ્ત થાય તેનું વર્ણન છે.
જે સાધકો આ પ્રક્રિયામાંથી પસાર થયા છે, અનુભવ લીધો છે, અનુભૂતિ થઈ છે અને સાથે શબ્દનો યોગ પણ થયો છે, તે વખતે જે શબ્દો દ્વારા પ્રગટ થયું, તેમાં સાધકો માટે અનુભવમાં ઢળવાની પ્રક્રિયાનું વર્ણન છે. પહેલાં એક વાત કરી કે બીજ જમીનમાં જાય છે, આપણને ખબર નથી પડતી કે અંદરમાં શું થાય છે? જ્યારે અંકુર ખીલે ત્યારે આપણને ખબર પડે છે કે બીજે વિકાસ કર્યો, પછી તેનો છોડ થાય, કળીઓ આવે, ફૂલ ખીલે અને ફળ બેસે. સાધનાની પ્રક્રિયામાં બધો પ્રોસેસ કઈ રીતે થાય તે આપણે જાણતા નથી. પણ જે લોકો આ પ્રક્રિયામાંથી પસાર થાય છે, તેમને અનુભવ થયો છે અને શબ્દોનો યોગ પણ થયો છે. અને એ શબ્દો દ્વારા જે પ્રગટ થયું તેને શાસ્ત્ર કહેવાય. સશાસ્ત્રોની રચના થતી નથી, સશાસ્ત્રો પ્રગટ થાય છે. રચના કરવી એ પંડિતો અને વિદ્વાનોનું કામ છે. સંતો રચના કરતા નથી. સંતો તો પોતાના અનુભવને વ્યકત કરે છે અને એ અનુભવ વ્યકત કરતી વખતે કેવી કેવી ઘટના થાય છે ? કેવી પ્રક્રિયા થાય છે ? શું બને છે તેનું વર્ણન સમજવું અને જાણવું તે સાધક માટે અત્યંત મહત્ત્વનું છે કેમ કે તેને પણ તે પ્રક્રિયામાં ઢળવું પડશે.
જેમ કોઈ વિદ્યાર્થી પાસ થયેલા વિદ્યાર્થીને પૂછે છે કે તે કેવી રીતે અભ્યાસ કર્યો કે તું ઊંચા માર્કે પાસ થયો, આ તેનો અનુભવ પૂછે છે. કોઈ પ્રવાસે ગયા હોય તેની પાસેથી જનાર માહિતી પૂછે છે કે તું થાઈલેન્ડ જઈ આવ્યો અને મારે પણ જવું છે તો તેં શું શું કર્યું? પૂર્વ તૈયારી શું કરી? ત્યાં કેવું લાગ્યું ? વિગેરે. પૂછનાર બિનઅનુભવી છે અને જઈ આવ્યો છે તે અનુભવી છે, એ બન્ને વચ્ચે સંવાદ થાય છે, તાલમેલ થાય છે. બિનઅનુભવી પૂછે પણ ડહાપણ ડોળે એ ન ચાલે, આગ્રહ રાખે તે ન ચાલે. પોતાની સમજણ વ્યકત કરે તે ન ચાલે, હું નથી માનતો એમ કહે તે ન ચાલે, અનુભવી વ્યક્તિ જે અવસ્થામાં પસાર થઈ છે તેનો અનુભવ જેને તે અવસ્થામાંથી પસાર થવું છે તેને કામમાં આવશે. તેને કામમાં લાવવો છે તે માટે તેને નમ્ર બનવું પડે. સાધકની નમ્રતા એ સામાન્ય નમ્રતા કરતાં જુદા પ્રકારની છે.
અનુભવની પ્રક્રિયા સૂક્ષ્મ છે, અતીન્દ્રિય છે. સ્થૂળ ભૂમિકા ઉપરની નથી. એ ઘટના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org