________________
છે ભરત ચક્રવર્તી છે
ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર ચરિતાનુયોગનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત આ ગ્રંથના પ્રથમ પર્વના ૬ઠ્ઠા સર્ગમાં ભરતચક્રીનું અષ્ટાપદ પર મોક્ષગમનનું વર્ણન કરવામાં આવ્યું છે. તેનો અંશ અત્રે આપવામાં આવ્યો છે.
પ્રત્યેક તીર્થકરને સ્તુતિ પૂર્વક નમસ્કાર કરીને મહારાજા ભરત સિંહનિષદ્યા ચૈત્યની બહાર નીકળ્યા અને પ્રિય મિત્રની પેઠે એ સુંદર ચૈત્યને વાંકા વાળી પાછી નજરે જોતાં જોતાં અષ્ટાપદ પર્વત ઉપરથી નીચે ઉતર્યા. પોતાનું મન તે પર્વતમાં લગ્ન થયેલું હોવાથી જાણે વસ્ત્રનો છેડો ભરાયો હોય તેમ અયોધ્યાપતિ મંદમંદ ગતિએ અયોધ્યા તરફ ચાલ્યા. શોકના પૂરની જેમ સૈન્યથી ઉડેલી રજ વડે દિશાઓને આકુળ કરતા શોકાર્ત ચક્રી અયોધ્યાની સમીપે આવી પહોંચ્યા જાણે ચક્રીના સહોદર હોય તેમ તેમના દુઃખથી અત્યંત દુઃખી થયેલા નગરજનોએ સાશ્રદષ્ટિએ જોયેલા મહારાજાએ પોતાની વિનીતા નગરીમાં પ્રવેશ કર્યો. પછી ભગવંતને સંભારી સંભારીને વૃષ્ટિ પછી અવશેષ રહેલા મેઘની પેઠે અશ્રુજળના બિંદુને વરસાવતા તેઓ પોતાના રાજમહેલમાં પેઠા. દ્રવ્ય હરણ થયેલ પુરુષ જેમ દ્રવ્યનું જ ધ્યાન કર્યા કરે, તેમ પ્રભુરૂપી ધન હરણ થયાથી તેમણે ઊભા રહેતા, ચાલતા, સુતા અને જાગતા, બહાર ને અંદર રાતદિવસ પ્રભુનું જ ધ્યાન કરવા માંડ્યું. બીજા હેતુથી પણ પોતાની પાસે અષ્ટાપદ પર્વત તરફથી આવનારા પુરુષોને, તેઓ જાણે પૂર્વની પેઠે પ્રભુને માટે કાંઈ કહેવા આવ્યા હોય તેમ માનવા લાગ્યા.
આવી રીતે શોકાકુળ મહારાજાને જોઈ મંત્રીઓ તેમને કહેવા લાગ્યા - “હે મહારાજા ! આપના પિતાશ્રી ઋષભદેવ પ્રભુએ પ્રથમ ગૃહવાસમાં રહીને પણ પશુની પેઠે અન્ન એવા સર્વ લોકોને વ્યવહાર નીતિમાં પ્રવર્તાવ્યા, ત્યાર પછી દીક્ષા લઈ થોડા કાળમાં કેવળજ્ઞાન પામી આ જગતના લોકોને ભવ સમુદ્રમાંથી ઉદ્ધાર કરવાની ઇચ્છાએ ધર્મમાં પ્રવર્તાવ્યા, છેવટે પોતે કૃતાર્થ થઈ અવરજનોને કૃતાર્થ કરી પરમ પદને પામ્યા, તેવા પરમ પ્રભુનો તમે શોક કેમ કરો છો ?” આવી રીતે પ્રતિબોધિત કરેલા ચક્રી ધીમે ધીમે રાજકાર્યમાં પ્રવર્તવા લાગ્યા.
રાહુથી મુક્ત થયેલા ચંદ્રની પેઠે શનૈઃશનૈઃ શોકમુક્ત થયેલા ભરતચક્રી બહાર વિહાર ભૂમિમાં વિચરવા લાગ્યા. વિંધ્યાચળને સંભારતા ગજેંદ્રની પેઠે પ્રભુના ચરણને સંભારતા અને વિષાદ કરતા મહારાજાની પાસે આવીને આપ્તજનો સદા વિનોદ કરાવવા લાગ્યા.
Bharat Chakravarti Vol. I Ch. 1-A, Pg. 046-050
-
281
–
Bharat Chakravarti