________________
4
॥ રાવણ અને વાલી મુનિ ॥
એક દિવસે રાવણ નિત્યાલોક નામના નગરમાં નિત્યાલોક નામના રાજાની રત્નાવળી નામની કન્યાને પરણવા ચાલ્યો. માર્ગમાં અષ્ટાપદ ગિરિની ઉપર આવતાં તેનું પુષ્પક વિમાન, હ્લિા પાસે લશ્કર સ્ખલિત થાય તેમ સ્ખલિત થયું. સાગરમાં લંગર નાંખવાથી અટકેલા વહાણની જેમ અને બાંધી લીધેલા હસ્તીની જેમ પોતાના વિમાનને અટકેલું જોઈ રાવણને ઘણો ક્રોધ ચડ્યો આ મારા વિમાનને સ્ખલિત કરનાર કયો પુરુષ યમરાજના મુખમાં પેસવાને ઇચ્છે છે. આ પ્રમાણે કહેતા રાવણે નીચે ઊતરી પર્વતના મસ્તક પર જોયું, તો ત્યાં જાણે પર્વતમાંથી નવીન શીખર થયું હોય તેવા કાયોત્સર્ગે રહેલા વાલીમુનિને પોતાના વિમાનની નીચે જોયા. એટલે રાવણે તેમને કહ્યું -“અરે વાલીમુનિ ! શું તું અદ્યાપિ મારી ઉપર ક્રોધ રાખે છે ? અને શું આ જીવનને છેતરવા માટે દંભ કરીને વ્રત લઈ બેઠો છે ? અગાઉ પણ કોઈ પ્રકારની માયા વડે મને ઉપાડી ફેરવ્યો હતો. પછી ‘આ મારા કરેલાનો બદલો વાળશે' એવી શંકાથી તે તત્કાળ દીક્ષા લીધી હતી. પણ અદ્યાપિ હું રાવણ તેનો તે જ છું, અને મારી ભુજાઓ પણ તેની જ છે. હવે મારો વખત આવ્યો છે તો જોઈ લે, હું તારા કરેલાનો બદલો વાળું છું; જેમ ચંદ્રહાસ ખડ્ગ સહિત મને ઉપાડીને તું ચારે સમુદ્ર ફરતો કર્યો હતો, તેમ હવે અત્યારે તને આ પર્વત સહિત ઉપાડી લવણ સમુદ્રમાં નાંખી દઉં છું.’’ આ પ્રમાણે કહી જેમ સ્વર્ગમાંથી પડેલું વજ્ર પૃથ્વીને ફાડી નાંખે તેમ રાવણ પૃથ્વીને ફાડી અષ્ટાપદ ગિરિની નીચે પેઠો.
પછી ભુજબળથી મદોદ્ધત એવા રાવણે એક સાથે સહસ્ર વિદ્યાનું સ્મરણ કરી તે દુર્ધર પર્વત ઉપાડ્યો તે સમયે તેના તડતડાટ શબ્દોથી વ્યંતરો ત્રાસ પામવા લાગ્યા, ઝલઝલ શબ્દ વડે ચપલ થયેલા સુમદ્રથી રસાતળ પુરાવા લાગ્યું, ખડખડ થઈને પડતા પાષાણોથી વનના હસ્તીઓ ક્ષોભ પામવા લાગ્યા અને કડકડાટ શબ્દ કરતા ગિરિનિતંબના ઉપવનમાંના વૃક્ષો ભાંગી પડવા લાગ્યા. આવી રીતે રાવણે પર્વત ઉપાડ્યો, તે અવધિજ્ઞાનથી જાણી અનેક લબ્ધિરૂપ નદીઓના સાગર અને શુદ્ધ બુદ્ધિવાળા મહામુનિ વાલી આ પ્રમાણે વિચારવા લાગ્યા- “અરે ! આ દુર્મતિ રાવણ અદ્યાપિ મારી ઈર્ષ્યાથી અનેક પ્રાણીઓનો સંહાર અકાળે કરવા તૈયાર થયો છે, અને ભરતેશ્વરે કરાવેલા આ ચૈત્યનો નાશ કરીને ભરતક્ષેત્રના આભૂષણરૂપ આ તીર્થનો ઉચ્છેદ કરવાનો યત્ન કરે છે. જો કે હું અત્યારે નિઃસંગ, પોતાના શરીરમાં પણ નિઃસ્પૃહ, રાગદ્વેષરહિત અને સમતાજળમાં નિમગ્ન છું, તથાપિ આ ચૈત્યના અને પ્રાણીઓના રક્ષણને માટે રાગદ્વેષ ધારણ કર્યા વગર આ રાવણને જરા શિક્ષા આપું.” આવો વિચાર કરી ભગવાન વાલીએ પગના અંગૂઠા વડે અષ્ટાપદ ગિરિના મસ્તકને જરા દબાવ્યું. તત્કાળ મધ્યાહ્ન વખતે દેહની છાયની પેઠે અને જળની બહાર રહેલા કૂર્મની પેઠે રાવણનાં ગાત્ર સંકોચ પામી ગયાં, તેના ભુજદંડ ભાંગી ગયાં અને મુખથી રુધિર વમન કરતો તેમજ પૃથ્વીને રોવરાવતો રાવણ ઊંચે સ્વરે રોવા લાગ્યા. તે દિવસથી તે ‘રાવણ’ કહેવાયો. તેનું દીન રુદન સાંભળી દયાળુ મુનિએ તેને છોડી મૂકયો. કેમકે આ કાર્ય માત્ર શિક્ષાને માટે જ હતું, ક્રોધથી હતું નહીં.
Ravan & Vali Muni Upcoming Vol. XXI
Ravan & Vali Muni
% 294