________________
તારું કારણ મારા ખ્યાલમાં છે તો ખરું પણ મારે તને એક એવું સરનામું બતાવવું છે કે જે મારા કરતાં ય મહાન છે' પ્રભુએ બાળકને કહ્યું.
‘પ્રભુ, આપના કરતાં ય વધુ મહાન કોઈ હોઈ શકે જ નહીં?
‘કોણ ?” ‘તારું હૃદય !' ‘મારું હૃદય ?'
‘પણ શી રીતે ?” સાંભળ, નદી મોટી છે કારણ કે એમાં મગરમચ્છો રહે છે. સાગર મોટો છે કારણ કે એમાં નદીઓ ઠલવાય છે. પૃથ્વી મોટી છે કારણ કે એના પર સાગરો હિલોળા લઈ રહ્યા છે. આકાશ મોટું છે કારણ કે એની છત્રછાયામાં પૃથ્વીઓ રહી છે. હું મોટો છું કારણ કે આકાશ કરતા હું વધુ વિરાટ છું પણ તારું હૃદય મારાથી મોટું છે કારણ કે તારા હૃદયમાં તું મને કેદ કરીને બેઠો છે. એટલે ‘મોટા’ ને નમસ્કાર કરવાની તારી આકાંક્ષાને તારે સંતોષવી હોય તો તારે મને નહીં પણ તારા હૃદયને જ નમસ્કાર કરવા જેવા છે” પ્રભુએ આપેલ આ જવાબને સાંભળીને બાળકની આંખોમાં હર્ષાશ્રુ આવી ગયા.
જવાબ આપો.
જે પ્રભુ ખુદ આપણા હૃદયને પોતાના કરતાં મહાન જાહેર કરી રહ્યા છે, આપણું આ હૃદય ખરેખર એવું મહાન છે ખરું? આપણાં હૃદયનો આ ઓરડો સદ્ભાવ, સમર્પણભાવ અને સદ્ગુણોથી સુવાસિત હોવાનું છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં છીએ ખરા? આપણાં હૃદયના આ ઓરડામાં કોઈ ડોકિયું કરે તો એને અંદર પ્રવેશી જવાનું અને રહી જવાનું મન થઈ જ જાય એવો આ હૃદયનો ઓરડો સ્વચ્છ અને સુઘડ છે એવું આપણને લાગી રહ્યું છે ખરું?
સભા : અમે પોતે હૃદયના આ ઓરડામાં જોવા અને રહેવા તૈયાર ન થઈએ એ હદે એ ઓરડાને અમે દુર્ગુણોથી અને કુસંસ્કારોથી ગંધાતો કરી દીધો છે!
શું ચાલે આ? સાંભળી છે ને આ પંક્તિઓ ? હૃદય તો બાળક છે એને રમવા ન દો જ્યાં ત્યાં, ખોવાઈ જશે.
કડક શબ્દોમાં કહું ને તો આપણું હૃદય બાળક ખોવાઈ ગયું હોત ને ક્યાંક, તો આપણે એને પ્રયત્નો કરીને પણ શોધી લાવત પણ આપણું આ હૃદય બાળક તો ખવાઈ ગયું છે કૃતજ્ઞતા નામના દોષનો જડબામાં ! સહુના ઉપકારો સતત લેતા જ રહેવાના અને એકનો ય ઉપકાર યાદ રાખવાનો નહીં. કોકનો પર ઉપકાર નાનકડો પણ કરવાનો અને એને ક્યારેય ભૂલવાનો નહીં. આ છે કૃતઘ્નતાનો વિકરાળ ચહેરો.
જવાબ આપો..
આ જીવનમાં આપણે લીધેલા ઉપકારોની સંખ્યા વધુ કે પછી આપણે કરેલા ઉપકારની સંખ્યા વધુ?
સભા : આપણે લીધેલા ઉપકારોની સંખ્યા વધુ.
તો હવે એક કામ શરૂ કરી દો. પુણ્યનો ઉદય જે પણ ક્ષેત્રનો હોય એ ક્ષેત્રમાં થોડોઘણો પણ બીજાનો ભાગ રાખવાનું શરૂ કરી દો. આમે ય તમે બધા ચૅરબજારના રસિયા તો છો જ ને ? કોઈ કંપનીમાં સંપત્તિનું રોકાણ ખૂબ કર્યું. હવે તમારા પુણ્યનું રોકાણ પરોપકારની કંપનીમાં કરવાનું શરૂ કરી દો.
શું કહું તમને ?
આ દેશમાં એક પ્રચલિત માન્યતા આ હતી કે જો તમારે ત્યાં મહેમાન રોજ જ આવે છે તો તમારા દિવસો ચડતા છે પણ તમારે ત્યાં કૂતરાય જો આવતા બંધ થઈ ગયા છે તો તમારા દિવસો પડતા છે.
ચડતા દિનનું પારખું, નિત આવે મે'માન,
પડતા દિનનું પારખું, ઘર ન આવે શ્વાન. એવા ગોઝારા પુણ્યનો ઉદય તમારો અત્રે ચાલી રહ્યો છે કે પુણ્યને બંધાવનાર સાધર્મિકો તમારે ત્યાં આવતા નથી. ભિખારીઓ કે ગરીબોને તમારા એપાર્ટમેન્ટમાં પ્રવેશવાની મનાઈ છે જ્યારે ગાય-કૂતરા વગેરેનો તમારા ઘર સુધી પ્રવેશ તો અસંભવિત જેવો બની ગયો છે ! નવ પ્રકારમાં પ્રથમ પ્રકારના પુણ્યનું નામ છે અન્નદાન અને તમારા જીવનમાં એ પુણ્યનો અમલ લગભગ બંધ જેવો થઈ ગયો છે. ભવાંતરમાં રોટલા-પાણી, ભેગા થશો શી રીતે?
લખી રાખો તમારી ડાયરીમાં આ વાત કે જે પુણ્યના ઉદયકાળમાં નવા પુણ્યનો બંધ ન થતો હોય, શાતાના જે ઉદયકાળમાં બીજાઓને શાતા ન પમાડી શકાતી હોય અને પ્રસન્નતાની જે અનુભૂતિ અન્યની પ્રસન્નતાનું કારણ ન બનતી હોય એ પુણ્ય, એ શાતા અને એ પ્રસન્નતા આત્મા માટે ભારે જોખમી બનીને જ રહેવાનાં છે.
૨૬