________________
તૈયાર હોતું નથી. અપેક્ષાએ કહેવું હોય તો એમ પણ કહી શકાય કે જડ પ્રત્યે રાગ કરતા રહેવા દ્વારા જીવો પ્રત્યેના દ્વેષને ધબકતો રાખવામાં જ એને આનંદ આવે છે.
મનના આ અભિગમ વચ્ચે આદરભાવના સ્વામી બન્યા રહેવું અને એના સહારે પરોપકાર કરતા રહેવું એ ખાવાના ખેલ તો નથી જ. મન સાથે સતત સંઘર્ષ કરતા રહો, જીવો દ્વારા થતી નુકસાનીને અને કનડગતને નંબર બે પર રાખતા રહો, જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવ ટકાવી રાખવાની વાત કરતા પ્રભુનાં વચનોથી ચિત્તને ભાવિત કરતા રહો તો હજી કદાચ આદરભાવને સક્રિય બનાવવામાં થોડી-ઘણી પણ સફળતા મળે.
જવાબ આપો એક પ્રશ્નનો. જગતના જીવોની વાત આપણે પછી કરશું. પહેલાં તમારા ખુદના પરિવારના પ્રત્યેક સભ્ય પર તમારો આદરભાવ જીવંત ખરો ? વાત્સલ્ય પ્રદાનના ક્ષેત્રે તમે એમની ઉપેક્ષા ન જ કરો એ નક્કી ખરું? સમય પ્રદાનના ક્ષેત્રે તમે એમને પ્રાધાન્ય આપીને રહો એ નક્કી ખરું? વાતચીતના ક્ષેત્રે તમે એમને જ અગ્રક્રમ આપો એ નક્કી ખરું?
મારા આ પ્રશ્નોનો એકદમ ‘હા’ માં જવાબ આપી દેતા પહેલાં તમારે મારા એક માર્મિક પ્રશ્નનો જવાબ આપવાનો છે. આપશો?
‘સભા : હા.
તો આપો જવાબ. તમે ઘરમાં હો. તમારા પિતાજી સાથે કે માતુશ્રી સાથે, પત્ની સાથે કે બાબા સાથે તમારી વાત ચાલુ હોય અને એ જ વખતે મોબાઇલની ઘંટડી રણકે. તમે વાત કોની સાથે કરો ? પરિવારના સભ્ય સાથે વાત ચાલુ હોય એ ચાલુ જ રાખો કે જેનો ફોન આવ્યો હોય એની સાથે વાત શરૂ કરી દો ?
સભા : પરિવારના સભ્ય સાથે પછી વાત કરી લઈએ.
તમે પરિવારના સભ્ય સાથે પછી વાત કરી લો એના બદલે પરિવારના સભ્ય સાથે જે વાત ચાલુ હોય એ પૂરી કરીને પછી જ ફોન કરનાર સાથે વાત કરો તો શું વાંધો ? એ ફોન કરનારને તમે કહી ન શકો કે દસ મિનિટ પછી હું તમારી સાથે વાત કરું છું ? શા માટે એ વિકલ્પ ઊભો થાય ત્યારે પરિવારના સભ્યનું જ બલિદાન લેવામાં આવે ?
તમે કદાચ આ વાસ્તવિકતાને મામૂલી માનતા હો તો મારે તમને ભારપૂર્વક જણાવવું છે કે પરિવારના સભ્ય પ્રત્યેનો તમારો આ વર્તાવ, પરિવારના સભ્યની તમારી આ ઉપેક્ષા, એમના મનમાં તમારા પ્રત્યે ઊંડે ઊંડે પણ તિરસ્કારની લાગણી જન્માવીને જ રહે છે કે જે આગળ જતાં તમારા અને એના વચ્ચે એક પ્રકારની વૈચારિક ખાઈ, આત્મીયતાના સંબંધમાં કડવાશ ઊભી કરીને જ રહે છે.
હું તમને અત્યંત ગંભીરતા સાથે કહું છું કે પરિવારના સભ્યોને તમે સંપત્તિ ઓછી આપશો તો ચાલી જશે, સામગ્રી ઓછી આપશો તો બહુ વાંધો નહીં આવે, સગવડો થોડીક ઓછી આપશો તો ય તેઓ એને ચલાવી લેશે પણ સમય આપવાની બાબતમાં જો બેદરકાર રહેશો તો પરિવારના સભ્યોના હૃદયમાં તમારા પ્રત્યે ધિક્કાર, દુર્ભાવ, કડવાશ અને તિરસ્કાર જન્મીને જ રહેશે કે જે તમારા મનની પ્રસન્નતાને રફેદફે કરીને જ રહેશે.
હજી થોડાંક વરસો પહેલા જ મેં અનુભવેલા આ પ્રસંગને કાન ખોલીને સાંભળી લો. તમને ખ્યાલ આવી જશે કે પરિવારના સભ્યોને સમય આપવાની બાબતમાં દાખવતી બેદરકારી કેવી કરુણદશાનું સર્જન કરીને રહે છે?
દક્ષિણ ગુજરાતના પ્રસિદ્ધ એક શહેરનો એ યુવક હતો. વરસે-દહાડે કદાચ વીસેક કરોડનો એ ધંધો કરતો હતો. પોતાના નાના બાબા સાથે એ વંદન કરવા આવ્યો હતો. પ્રારંભિક વાતો થયા પછી મેં એને સહજભાવે પૂછ્યું,
‘તારો આ બાબો શું ભણે છે ?'
‘મહારાજ સાહેબ, એ પાંચમીમાં છે’ જેવો એ યુવકે આ જવાબ આપ્યો, બાજુમાં જ બેઠેલો બાબો તુર્ત બોલી ઊઠ્યો, ‘પપ્પા ! હું પાંચમીમાં નહીં, ત્રીજીમાં છું”
બાબાની આ વાત સાંભળતાની સાથે જ એના પપ્પાનું મોટું પડી ગયું. મેં એને એટલું જ કહ્યું કે ‘બજારમાં તારું નામ છે ને? બાબાના હૈયામાં તારું સ્થાન છે ખરું? તારે એક તો બાબો છે અને એ શું ભણે છે, એની તને ખબર નથી ! શું કરવાની બજારની તારી ખ્યાતિને અને શું કરવાની તારી બાહ્ય જગતની સફળતાને ? બાબાને તે સમય આપે છે ખરો ? બાબા સાથે વાત કરવાનો તારી પાસે સમય છે ખરો? ના, તારા મગજ પર સવાર થયું છે પૈસાનું પાગલપન ! સવારના નીકળી જવાનું ઘરની બહાર વહેલા અને સાંજના ઘરે આવવાનું મોડા !'
મારા આ પ્રત્યાધાતોનો એ યુવક પાસે કોઈ જવાબ નહોતો.
એટલું જ કહીશ તમને કે પરોપકારનું ચાલકબળ આદરભાવને બનાવો અને આદરભાવના વિરાટ વર્તુળમાં કેન્દ્રની નજીક પહેલા પરિવારના સભ્યોને ગોઠવી દો. તમારા જીવનમાં જે પ્રસન્નતા અનુભવાશે, પરિવારમાં આત્મીયતાની જે તાજગી ફેલાશે, તમને એ જોઈને એમ લાગશે કે આ બાબતમાં હું આટલો બધો મોડો ક્યાં પડ્યો?